અમદાવાદઃ અમેરિકામાં ફેડરલ રિઝર્વે વ્યાજદરોમાં કાપ મૂકતાં અને આગામી સમયમાં વ્યાજદરોમાં વધુ કાપના સંકેતો આપતાં વૈશ્વિક બજારો અને એશિયન બજારોમાં તેજી થઈ હતી. જેને પગલે સેન્સેક્સ અને નિફ્ટી પણ રેકોર્ડ ઊંચી સપાટીએ પહોંચ્યા હતા. સેન્સેક્સે સૌપ્રથમ વાર 84,000ની સપાટીને વટાવી હતી, જ્યારે નિફ્ટે 25,800ની સપાટી વટાવી હતી. BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. 469 લાખ કરોડે પહોંચ્યું હતું. નિફ્ટી બેન્ક, મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સમાં પણ તેજી થઈ હતી. રોકાણકારોની સંપત્તિમાં રૂ. 6.5 લાખ કરોડનો વધારો થયો હતો.
અમેરિકી ફેડ રિઝર્વે વ્યાજદરોમાં 50 બેઝિસ પોઇન્ટના કાપ કર્યા પછી S&P 500 અને ડાઉ જોન્સ રેકોર્ડ સ્તરે પહોંચ્યા હતા. જાપાનની નિક્કી ઇન્ડેક્સની આગેવાની હેઠળ એશિયન માર્કેટમાં તેજી થઈ હતી. જાપાનનો કોર કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ 2.8 ટકા વધ્યો છે. જેથી જાપાનની સેન્ટ્રલ બેન્કની આગામી બેઠકમાં વ્યાજદરો યથાવત્ રાખવાની અપેક્ષા છે. જ્યારે સેન્સેક્સ 1359.51 પોઇન્ટ ઊછળી 84,544.31ની ઓલટાઇમ સપાટીએ બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 375.15 પોઇન્ટ ઊછળી 25,790.95ના નવા શિખરે બંધ થયો હતો.ફેડરલ રિઝર્વના પગલાથી રિઝર્વ બેન્ક પર વ્યાજદરો ઘટાડવાનું દબાણ છે. કેટલાક વિશ્લેષકોનું માનવું છે કે RBI ડિસેમ્બરની બેઠકમાં વ્યાજદરોમાં કાપ મૂકે એવી શક્યતા છે. વળી, વ્યાજદરોમાં ઘટાડાને પગલે વૈશ્વિક માર્કેટમાં લિક્વિડિટી વધશે. ઊરતીય અર્થતંત્રની મજબૂતીથી ઇક્વિટી વેલ્યુએશનને સપોર્ટ મળશે.
BSE એક્સચેન્જ પર કુલ 4059 શેરોમાં કામકાજ થયાં હતાં, જેમાં 2468 શેરો તેજીની સાથે બંધ થયા હતા. આ સાથે 1482 શેરો નરમ બંધ રહ્યા હતા, જ્યારે 109 શેરો સપાટ બંધ રહ્યા હતા. આ સિવાય 306 શેરોએ 52 સપ્તાહની નવી ઊંચી સપાટી સર કરી હતી, જ્યારે 257 શેરોએ 52 સપ્તાહની નીચલી સપાટીએ પહોંચ્યા હતા.