એસબીઆઈ કોઈ ફોર્મ, ઓળખપત્ર વગર રૂ.2000ની નોટ બદલી આપશે

મુંબઈઃ સરકાર હસ્તકની બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (એસબીઆઈ)એ તેની તમામ શાખાઓને જાણ કરી દીધી છે કે ભારતીય રિઝર્વ બેન્કે વ્યવહારમાંથી પાછી ખેંચી લીધેલી 2000ના મૂલ્યની ચલણી નોટોના એક્સચેન્જ વખતે ધારક પાસેથી કોઈ ઓળખપત્ર (આઈડી પ્રૂફ) માગવાની કે એની પાસે કોઈ ફોર્મ ભરાવવાની આવશ્યક્તા નથી કે એની પાસે કોઈ રિક્વિઝિશન સ્લિપ હોવી પણ જરૂરી નથી.

એસબીઆઈએ એક સર્ક્યૂલરમાં જણાવ્યું છે કે કોઈ પણ નાગરિક કોઈ પણ રીક્વિઝિશન સ્લિપ મેળવ્યા વગર રૂ. 2000ની નોટ એક્સચેન્જ કરાવી શકશે. જોકે એક વ્યક્તિ એકસાથે માત્ર 10 નોટ જ બદલાવી શકશે. તે મર્યાદા આરબીઆઈએ નક્કી કરી છે.

એસબીઆઈએ એમ પણ કહ્યું છે કે 2000ની નોટ બદલવા આવનાર કોઈ પણ વ્યક્તિ એસબીઆઈની કોઈ પણ શાખામાં એકાઉન્ટ ધરાવતો ન હોય તો પણ તેની પાસેની નોટ બદલી આપવાની રહેશે. નોન-એકાઉન્ટ ધારક પણ એસબીઆઈની કોઈ પણ શાખામાં જઈને રૂ. 2000ની નોટ બદલાવી શકશે.

રૂ. 2000ની નોટ આવતી 23 મેથી આ વર્ષની 30 સપ્ટેમ્બર સુધી બદલી શકાશે. લોકો આ નોટ એમનું જ્યાં એકાઉન્ટ હોય તે બેન્કમાં જઈને જમા કરાવી શકે છે અથવા બદલાવી શકશે. બેન્કો અને આરબીઆઈની પ્રાદેશિક ઓફિસો રૂ. 2000ની નોટની સામે વ્યક્તિને તેટલી જ રકમની ઓછા મૂલ્યવાળી નોટો આપશે. આરબીઆઈએ સ્પષ્ટતા કરી છે કે રૂ. 2000ની નોટ બદલવા માટે વ્યક્તિએ કોઈ પ્રકારની ફી ચૂકવવાની નહીં રહે. તેણે બેન્કોને જણાવ્યું છે કે વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગ વ્યક્તિઓને નોટ બદલાવવામાં કોઈ તકલીફ ન થાય એટલા માટે એમને માટે પૂરતી વ્યવસ્થા કરવી.