નવી દિલ્હી- દેશની સૌથી મોટી બેંક એસબીઆઈ વ્યાજ દરોને લઈને નવા નિયમો આગામી 1લી મેના રોજ લાગુ કરવા જઈ રહી છે. બેંકના 40 કરોડ ગ્રાહકો પર નવા નિયમોની સીધી અસર પડશે. હકીકતમાં એસબીઆઈએ તેમના ડિપોઝિટ અને લોનના વ્યાજ દરોને આરબીઆઈના બેન્ચમાર્ક દરો સાથે જોડી દીધાં છે. એનો સીધો અર્થ એવો થાય કે, હવે જ્યારે રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા રેપો રેટમાં ફેરફાર કરશે ત્યારે એસબીઆઈ બેંકમાં જમા નાણાં અને લોનના દરો પર પણ અસર પડશે.
જો કે, 1 લાખ રુપિયાથી વધુના જમા અને લોનના વ્યાજ દર પર જ આ નિયમ લાગુ થશે. આ નવા નિયમો 1 મે થી લાગુ થશે. નવા નિયમો લાગુ થયા બાદ ગ્રાહકોને પહેલાંની સરખામણીએ બચત ખાતાં પર વ્યાજ ઓછું મળશે. જેની સીધી અસર એસબીઆઈના અંદાજિત 95 ટકા ગ્રાહકો પર પડે તેવી શક્યતા છે.
નવા નિયમો લાગુ થયાં બાદ એસબીઆઈના ગ્રાહકોને બચત ખાતામાં 1 લાખ રુપિયા સુધીની રકમ પર પહેલાંની જેમ 3.5 ટકા વ્યાજ મળશે. જ્યારે બચત ખાતામાં 1 લાખથી વધુ રકમ રાખવા પર 3.25 ટકા વ્યાજ મળશે.
મહત્વનું છે કે, આરબીઆઈ તરફથી હાલમાં જ વ્યાજ દરોમાં 0.25 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ એસબીઆઈ સહિતની કેટલીક બેંકોએ હોમ લોન અને ઓટો લોન પરના વ્યાજમાં ઘટાડો કર્યો છે. એસબીઆઈએ લોન પરના વ્યાજ દરોમાં 0.05 ટકાનો સામાન્ય ઘટાડો કર્યો છે.
સંશોધિત દર સાથે 30 લાખની હોમ લોન પર એસબીઆઈએ વ્યાજ દરમાં 0.10 ટકાનો ઘટાડો કર્યો છે. આ સાથે જ હવે 30 લાખથી ઓછી હોમ લોન પર નવા વ્યાજ દર 8.60થી 8.90 ટકા લાગશે, જે હાલમાં 8.70થી 9 ટકા જેટલા છે.