63 મૂન્સ ટેક્નોલોજીસને રાહતઃ SEBIના ઓર્ડરને SATએ અટકાવ્યો

મુંબઈઃ 63 મૂન્સ ટેક્નોલોજીસને સ્ટ્રેટ થ્રૂ પ્રોસેસિંગ (એસટીપી) ગેટ સર્વિસીસ બાબતે ‘સેબી’એ આપેલા આદેશનો અમલ અટકાવવાનો સિક્યોરિટીઝ એપેલેટ ટ્રિબ્યુનલ (સેટ)એ હુકમ કર્યો છે.

સેબીએ એસટીપી ગેટ સર્વિસીસ પૂરી પાડવા સંબંધેની 63 મૂન્સની અરજીને નકારી દીધા બાદ કંપનીએ ‘સેટ’માં અપીલ કરી હતી. સેટે સોમવારે આજે અપીલની સુનાવણી કરી હતી અને સેબીના આદેશનો અમલ અટકાવી દેવાનો નિર્ણય લીધો હતો. આ કેસમાં સેટે પોતાનો આખરી ચુકાદો અનામત રાખ્યો છે.

નોંધનીય છે કે સેબીએ 63 મૂન્સને નોટ ફિટ એન્ડ પ્રોપર ગણાવતા ફોરવર્ડ માર્કેટ્સ કમિશનના સાત વર્ષ જૂના આદેશનું કારણ આપીને તેને એસટીપી ગેટ સર્વિસીસ માટે મંજૂરી નકારી કાઢવાનો નિર્ણય ગત ત્રીજી ડિસેમ્બરે લીધો હતો.

63 મૂન્સ ટેક્નોલોજીસે અખબારી યાદી દ્વારા કહ્યું છે કે ‘સેટ’માં કંપનીને ન્યાય મળવાની આશા છે.