મુંબઈઃ આવતી 18 એપ્રિલના રવિવારે એક દિવસ માટે તમામ બેન્કોની RTGS (રીયલ-ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ) સેવા મધરાતે 12થી બીજા દિવસે બપોરે 2 વાગ્યા સુધી ઉપલબ્ધ નહીં હોય, એમ ભારતીય રિઝર્વ બેન્કે જણાવ્યું છે. કેટલીક અપગ્રેડેશન કામગીરી હાથ ધરવાની હોવાથી સેવા ખંડિત થશે. રિઝર્વ બેન્કે જણાવ્યું છે કે 17 એપ્રિલે બેન્કોમાં બિઝનેસ કલાકો પૂરા થાય એ પછી RTGSનું એક ટેકનિકલ અપગ્રેડેશન કરાવાનું છે અને RTGS સિસ્ટમના ડિઝાસ્ટર રિકવરી ટાઈમમાં વધારે સુધારો હાથ ધરાવાનો છે. તેથી રવિવાર, 18 એપ્રિલે મધરાતે 12 વાગ્યાથી લઈને બીજા દિવસે બપોરે 2 વાગ્યા સુધી RTGS સેવા બંધ રહેશે.
જોકે એ જ સમયગાળા દરમિયાન NEFT (નેશનલ ઈલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર) સિસ્ટમ રાબેતા મુજબ જ ચાલુ રહેશે. રેગ્યૂલેટર RBIએ તમામ બેન્કોને જણાવ્યું છે કે તેઓ એમના ગ્રાહકોને જાણ કરી દે જેથી તેઓ એમની પેમેન્ટ કામગીરીઓ સમય અનુસાર ગોઠવી લે. NEFT એવી ઈલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર સિસ્ટમ છે જેમાં સોદાઓને અમુક ચોક્કસ સમય સુધી સ્વીકારવામાં આવે છે અને બેચ અનુસાર પ્રોસેસ કરવામાં આવે છે. આનાથી વિપરીત, RTGS સેવામાં, સોદાઓને આખા દિવસ દરમિયાન પ્રત્યેક સોદાને આધારે પ્રોસેસ કરવામાં આવે છે.