નવી દિલ્હી– મોદી સરકાર બેંકો પર વધતી જતી બેડ લોન(એનપીએ)ના ભારને ઓછો કરવા માટેની તૈયારીઓ કરી રહ્યું છે. જેના માટે સ્ટ્રેસ એસેટ્સ ફંડની યોજના લાવવાની તૈયારીઓ કરાઈ રહી છે. સરકાર આ મુદ્દા પર રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા સાથે કેટલીય બેઠકો કરી ચુકી છે. કહેવાઈ રહ્યું છે કે નાણાં મંત્રાલય દેશની 25 બેંકોની નોન પર્ફોમિંગ એસેટ(એનપીએ)ને ખરીદવા માટે આરબીઆઈ પર સ્ટ્રેસ એસેટ ફંડ બનાવવા માટે દબાણ કરી રહી છે. જો આમ થાય તો એનપીએનો ભાર સહન કરી રહેલી બેંકોને મોટી રાહત મળી જશે.
એનડી ટીવીમાં છપાયેલી રીપોર્ટ અનુસાર એક અધિકારીએ જણાવ્યું હતું કે સરકાર કેન્દ્રીય બેંકને કહ્યું છે કે તે કેટલીક રીયલ એસ્ટેટ લોનને બેડ લોનના રૂપમાં વર્ગીકૃત કરવામાં બેંકોને છૂટ આપવા પર વિચાર કરે. જો કે આરબીઆઈએ સરકારના આ વિચાર પર વિરોધ દર્શાવ્યો છે. આરબીઆઈનું માનવું છે કે જો આ બન્ને માગ પર આગળ વધીશું તો તેમની બેલેન્સશીટ પર વિપરીત અસર પડશે. જો કે વાતચીત સતત ચાલુ રહી છે.
અત્રે નોંધનીય છે કે આ પહેલા સમાચાર હતાં કે 1.76 લાખ કરોડના ડિવિડંડ અને કેસ રીઝર્વ ટ્રાન્સફર કરવાના નિર્ણય પર આરબીઆઈ અને મોદી સરકાર વચ્ચે તકરાર થઈ હતી. એવામાં સરકાર અને આરબીઆઈ ફરીથી એક વાર આમનેસામને આવી ગયાં છે. આ મુદ્દો લાંબા સમય સુધી નાણાં મંત્રાલય અને સેન્ટ્રલ બેંક વચ્ચે ખેંચતાણનું કારણ બન્યો હતો.