કઇ રીતે તમે ઘરે બેઠા મેળવી શકો છો ફાસ્ટેગ?

નવી દિલ્હી: એ તો તમને ખબર જ  હશે કે, 1લી ડિસેમ્બર 2019થી દેશના દરેક રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આવેલા ટોલ પ્લાઝા પર ફાસ્ટેગ ફરજીયાત કરી દેવામાં આવ્યું છે. મહત્વનું છે કે, ફાસ્ટેગ વાહનની વિન્ડસ્ક્રીન પર લગાવવામાં આવશે. કેટલાક લોકોના મનમાં હજુ સવાલ હશે કે, ફાસ્ટટેગ ક્યાંથી ખરીદવો?

FASTag ને 23 બેંકોની શાખાઓમાંથી ખરીદી શકાય છે. જેમાં આઈસીઆઈસીઆઈ, આઈડીએફસી, એસબીઆઈ અને એચડીએફસી જેવી મોટી બેંકો સામેલ છે. પણ જો તમારે ઘરે બેઠા બેઠા ફાસ્ટેગ ખરીદવું હોય તો તમે ઓનલાઈ પણ ખરીદી શકો છો.

પેટીએમ, એમેઝોન જેવા મોટા ઓનલાઈન સ્ટોર્સ પરથી ફાસ્ટેગની ખરીદી કરી શકો છો. ફાસ્ટટેગ માટે પેટીએમની વેબસાઈટ પર લોગઈન કરીને ત્યાં આપેલા FASTagના ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તમારે તમારા વ્હિકલનો રજીસ્ટ્રેશન નંબર અને રજીસ્ટ્રેશન સર્ટિફિકેટની ડીટેલ આપવાની રહેશે. ત્યારબાદ ‘Buy for Rs 400’ પર ક્લિક કરવાનું રહેશે. એટલે તમારા રજિસ્ટર્ડ એડ્રેસ પર ફાસ્ટેગ ડિલીવરી કરી દેવામાં આવશે.

આ ઉપરાંત તમે એરટેલ થેક્સ એપ દ્વારા પણ ફાસ્ટેગ ખરીદી શકો છે. જેમાં તમને 50 રૂપિયાનું કેશબેક પણ મળશે. તેમજ એચડીએફસી બેંકની વેબસાઈટ પરથી પણ ખરીદી શકો છો.

પ્રથમ વખત આ ટેગ મેળવવા માટે 200 રૂપિયા જોઈનિંગ ફી ચૂકવવાની રહેશે. ત્યારબાદ તમે ફાસ્ટેગમાં ક્રેડિટ ડેબિટ કાર્ડ, એનઈએફટી, આરટીજીએસ મારફતે ઓનલાઈન રિચાર્જ કરાવી શકો છો. એક વખતમાં ઓછામાં ઓછુ 100 રૂપિયા અને વધુમાં વધુ 1 લાખ રૂપિયાનું રિચાર્જ કરાવી શકાશે.