નવી દિલ્હી- ઈંધણની વધતી જતી માગ અને ઘટતા જતાં સંશાધનોને જોતાં વૈકલ્પિક ઊર્જાના ઉપયોગ પર જોર આપવામાં આવી રહ્યું છે. ભારતે આ સમયે સોલાર અને વિન્ડ એનર્જીનું પ્રોડક્શન વધારવા માટે વધારે ધ્યાન કેન્દ્રિત કર્યું છે જેના પરિણામે કુલ પાવર જનરેશનમાં રીન્યુએબલ એનર્જીનું યોગદાન વધશે. દેશમાં હાલ સૌર ઊર્જા અને પવન ઊર્જાની ક્ષમતા વધારવાના સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. ભારતમાં રીન્યુએબલ એનર્જી કે પુનઃપ્રાપ્ય ઊર્જાનું પ્રમાણ ધીમે પણ મક્કમ ગતિએ વધી રહ્યું છે. એક રિપોર્ટ મુજબ હાલ ભારતમાં ઉત્પન્ન થતી કુલ ઊર્જામાં રીન્યુએબલ એનર્જીનું યોગદાન 7.8 ટકા છે જે વર્ષ 2022 સુધીમાં વધીને 18 ટકાએ પહોંચી જવાની સંભાવના છે.
ગ્લોબલ રેટિંગ એજન્સી મૂડીઝે તેના રિપોર્ટમાં જણાવ્યું કે, ભારત પેરિસ ક્લાઇમેટ એગ્રિમેન્ટ હેઠળ નેશનલી ડેટરમાઇન્ડ કોન્ટિબ્યૂશન (એનડીસી) સાથે મિશ્ર પાવર જનરેશન માટે સકારાત્મક પગલાંઓ લઇ રહ્યું છે.
મૂડીઝ ઇન્વેસ્ટર્સ સર્વિસના સિનિયર એનાલિસ્ટ અને વાઇસ પ્રેસિડેન્ટ અભિષેક ત્યાગીએ જણાવ્યું કે, ભારતમાં પાવર જનરેશન માટે નવી કેપેસિટી ઉમેરવામાં રિન્યુએબલ એનર્જીની હિસ્સેદારી છેલ્લાં બે વર્ષમાં લગભગ 60 ટકા જેટલી વધી ગઇ છે. જ્યારે કોલસા આધારિત વીજ ઉત્પાદન ક્ષમતામાં વૃદ્ધિની ગતી ધીમી પડી ગઇ છે.
વધુમાં કહ્યું કે, મોટી કંપનીઓએ તેમના પ્લાન્ટને એનર્જી એફિશિયન્ટ બનાવવા અને રિન્યુએબલ એનર્જીના સ્ત્રોતના પ્લાન્ટની જાહેરાત કરી છે. એજન્સીના મત મુજબ, ભારતમાં ઉત્પન્ન થતી કુલ વીજળીમાં રિન્યુએબલ એનર્જીનું યોગદાન વર્ષ 2022 સુધીમાં લગભગ 18 ટકા જેટલા થઇ જશે જે માર્ચ 2018ના અંતે 7.8 ટકા નોંધાયું હતું.
અશ્મિ ઇંધણ આધારિત વીજ ઉત્પાદન ક્ષમતાની હિસ્સેદારી જે વર્તમાનમાં 67 ટકા છે તે વર્ષ 2022 સુધીમાં ઘટીને 50થી 55 ટકા જેટલી રહી જવાની શક્યતા છે.