નવી દિલ્હી- રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ ભારતના માર્કેટમાં પોતાનો દબદબો બનાવ્યા બાદ હવે વિદેશમાં પોતાના બિઝનેસનું વિસ્તરણ કરવા પર ભાર મૂકી રહી છે. જે હેઠળ કંપની ફેશન અને બાળકો સાથે જોડાયેલ વિદેશી રિટેલ સ્ટોરને ખરીદવાની તૈયારીમાં છે. સમાચાર એજન્સી રોયટર્સ અનુસાર રિલાયન્સ તેમના ગ્લોબલ પાર્ટનર સાથે મળીને સ્પોર્ટ્સ અને બ્યૂટી બ્રાન્ડનું પણ વિસ્તરણ કરી શકે છે.
રિલાયન્સમાં અરામકોએ ખરીદી ભાગીદારી
એશિયાની સૌથી ધનવાન વ્યક્તિ મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ એમના ઓઈલ બિઝનેસમાં ભાગીદારી ઘટાડીને કન્ઝ્યૂમર ફેસિંગ કંપનીમાં રોકાણ કરી રહી છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીએ હાલમાં જ પોતાના ઓઈલ એન્ડ કેમિકલ્સ બિઝનેસમાં 20 ટકા હિસ્સો સાઉદી અરબની પ્રમુખ ઓઈલ કંપની અરામકોને વેંચશે. આ વેચાણથી રિલાયન્સને અંદાજે 1.06 લાખ કરોડ રૂપિયા મળશે.
મહત્વનું છે કે, રિલાયન્સ ઈન્ડસ્ટ્રી ભારતમાં હેન્ડબેગથી લઈને બ્રોડબેન્ડ સુધીની પ્રોડક્ટ્સનું વેચાણ કરી રહી છે. રિલાયન્સ બ્રાન્ડ ભારતમાં પહેલાથી જ અંદાજે 40 વિદેશી પાર્ટનર સાથે મળીને અનેક મોટા સ્ટોર ચલાવી રહી છે. જેમાં બ્રિટનની લક્ઝરી બ્રાન્ડ બરબરી, શૂ મેકર સ્ટીવ મેડેન અને ન્યૂયોર્કની આઈકોનિક્સ બ્રાન્ડ પણ સામેલ છે. રિલાયન્સ એ વિદેશમાં એમનું પ્રથણ અધિગ્રહણ આ વર્ષે મે મહિનામાં ‘હેમલેઝ’ની ખરીદી સાથે કર્યું હતું. હેમલેઝ વિશ્વનું સૌથી જૂનુ રમકડાનું રિટેલર હતુ, જેને 620 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યું. આ સાથે જ હવે રિલાયન્સ વિદેશમાં પણ પોતાનો કારોબાર જમાવવા તૈયાર છે.