તહેવારોની સીઝન અર્થતંત્રને ફરીથી વેગીલું બનાવી શકશે?

નવી દિલ્હી- અત્યારે દેશભરમાં ગણેશોત્સવની જોરશોરથી ઉજવણી ચાલી રહી છે. ત્યારબાદ નવરાત્રી અને દિવાળી એટલે કે, તહેવારોની સીઝન ચાલુ થઈ ગઈ છે અને આ તરફ તાજેતરમાં જ જાહેર થયેલા જીડીપીના નબળા આંકડા દેશના અર્થતંત્ર માટે માઠા સમાચાર છે. ઓટો સેક્ટરમાં સૌથી વધુ મંદી છે, અન્ય સેક્ટરોમાં પણ કન્ઝમ્પશન ગ્રોથ ધીમો છે, આ સ્થિતિમાં દરેકની નજર તહેવારની સીઝન પર નજર તાકીને બેઠા છે. જોકે, અત્યારે એ કહેવું મુશ્કેલ છે કે, તહેવારોની સીઝન સુસ્ત બજારમાં તેજી લાવી શકશે કે નહીં.

દેશના સર્વિસ સેક્ટરની ગ્રોથ ઓગસ્ટમાં ધીમો પડી ગયો છે. તેની પાછળ નવી નોકરીઓ અને પ્રોડક્શનમાં પણ વધારો મુખ્ય કારણ છે. IHS માર્કેટ ઈન્ડિયા સર્વિસિઝ પરચેઝિંગ મેનેજર્સ ઈન્ડેક્સ ઓગસ્ટમાં ઘટીને 52.4 રહ્યો જે જુલાઈમાં 53.8 સાથે વર્ષના સૌથી ઉચ્ચસ્તર પર હતો. આ ઈન્ડેક્સમાં 50થી વધુનો સ્કોર ગ્રોથ દર્શાવે છે. ટ્રકોનું વેચાણ પણ ઓગસ્ટમાં 60 ટકા ઘટી ગયું અને સ્ટીલ ભંડાર પણ સામાન્યની તુલનામાં ડબલ થઈ ગયું, જે ચિંતાનો વિષય છે.

તહેવારોની સીઝન પર મોટી આશા

વપરાશમાં ઘટાડો વર્તમાન આર્થિક સુસ્તીનું સૌથી મોટું કારણ છે, વપરાશને આર્થિક વિકાસનો સૌથી મોટો આધાર સ્તંભ માનવામાં આવે છે. તહેવારોની સીઝનમાં ગ્રાહક ખર્ચ ઘણો વધી જાય છે. નબળી માગને જોતા કન્ઝ્યૂમર ઈલેક્ટ્રોનિક્સ અને સ્માર્ટફોન નિર્માતા રિટેલર્સને રેકોર્ડ માર્જિન ઓફર કરી રહ્યાં છે, જેથી વેચાણને વેગ મળી શકે.

અત્યાર સુધી સરકાર એમ કહી રહી છે કે, વર્તમાન આર્થિક સુસ્તી ચક્રિય છે. ઉદાહરણ તરીકે જોઈએ તો, બિહારના નાયબ મુખ્યમંત્રી સુશીલ મોદીએ કહ્યું કે, દર વર્ષે શ્રાવણ-ભાદરવામાં બજારમાં નરમાઈ રહે છે. એસબીઆઈના ચેરમેન રજનીશ કુમારે કહ્યું કે, અમે એ નથી જાણતા કે, આ નરમાઈ કેટલી ચક્રિય છે અને કેટલી સ્ટ્રક્ચરલ, પરંતુ ઓક્ટોબર-નવેમ્બર દેશના અર્થતંત્ર માટે મહત્વના હશે.

તહેવારોની સીઝનમાં સારુ વેચાણથી એ વાતનો સંકેત મળશે કે, બજારમાં સૂસ્તી ચક્રિય છે. જોકે, અર્થતંત્રમાં સામાન્ય સુધારો એ અર્થશાસ્ત્રીઓને સાચા સાબિત કરશે જે કહી રહ્યાં છે કે, આ સ્લોડાઉન સ્ટ્રક્ચરલ છે. અને સ્ટ્રક્ચરલ સ્લોડાઉનને શાર્ટ-ટર્મ ઉપાયો દ્વારા સરળતાથી ખત્મ ન કરી શકાય.

આ દરમિયાન બુધવારે આરબીઆઈએ ફ્લોટિંગ રેટ પર લેનાર તમામ નવી લોનને બહારના બેંચમાર્કો સાથે લિન્ક કરવાના નિર્દેશ આપ્યા છે. તમામ નવી લોન 1 ઓક્ટોબરથી સ્વત: બહારના બેંચમાર્કો સાથે લિન્ક હશે. નવી લોન આરબીઆઈ દ્વારા નક્કી કરેલા રેપો રેટ, 3 અને 6 મહિનાની ટ્રેઝરી યીલ્ડ અથવા નાણાંકીય બેંચમાર્કો દ્વારા નક્કી કરેલા કોઈ પણ અન્ય બેંચમાર્કો સાથે લિન્ક કરી શકે છે. આરબીઆઈના આ નિર્દેશથી વ્યાજ દરમાં ફેરફારનો જલ્દી ટ્રાન્સમિશન સંભવ થઈ શકશે.