1 લી ઓક્ટોબરથી SBIમાં નાણાકીય વ્યવહારો પડશે મોંઘા

નવી દિલ્હી- દેશની સૌથી મોટી સરકારી બેંક ભારતીય સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) 1 ઓક્ટોબર 2019 થી તેમના સર્વિસ ચાર્જમાં ફેરફાર કરવા જઈ રહી છે. જેમાં બેંકમાં રૂપિયા જમા કરવા, રૂપિયા ઉપાડવા, ચેકનો ઉપયોગ, એટીએમ ટ્રાન્ઝેક્શન સાથે જોડાયેલ સર્વિસ ચાર્જનો સમાવેશ થાય છે. સર્વિસ ચાર્જમાં ફેરફાર સંબંધીત એક સર્કયુલર એસબીઆઈ એ તેમની વેબસાઈટ પર જાહેર કર્યું છે.

બેંકના સર્કયુલર અનુસાર 1 ઓક્ટોબરથી મહિનામાં ખાતામાંથી માત્ર 3 વખત જ રૂપિયા જમા કરાવી શકાશે, 3થી વધુ વખત રૂપિયા જમા કરવાવા પર દરેક ટ્રાન્ઝેક્શન પર 50 રૂપિયા+જીએસટી ચાર્જ ચૂકવવો પડશે. બેંક સર્વિસ ચાર્જ પર 12 ટકા જીએસટી વસૂલે છે. મહત્વનું છે કે, અત્યારે કોઈ પણ બેંક ખાતામાં રૂપિયા જમા કરાવવામાં કોઈ લિમિટ નથી. કોઈ પણ વ્યક્તિ પોતાના ખાતામાં ગમે એટલી વખત નાણાં જમા કરાવી શકે છે.

એસબીઆઈ એ ચેક રિટર્નના નિયમો કડક બનાવ્યા છે. 1 ઓક્ટોબર પછી કોઈ પણ ચેક ટેકનીકલ કારણ (બાઉન્સ ઉપરાંત) રિટર્ન આવે તો ચેક ઈશ્યૂ કરનાર પર 150 રૂપિયા+ જીએસટી ચાર્જ આપવો પડશે. એટલે કે જીએસટી સાથે આ ચાર્જ 168 રૂપિયા જેટલો થશે.

એસબીઆઈ એ રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ (RTGS) પર લાગતા ચાર્જમાં રાહત આપી છે. 1 ઓક્ટોબરથી બેંક શાખામાં જઈને આરટીજીએસ કરવું સસ્તુ બની જશે. 1 ઓક્ટોબરથી 2થી 5 લાખ રૂપિયા સુધીના આરટીજીએસ પર 20 રૂપિયા+જીએસટી ચાર્જ આપવો પડશે. 5 લાખ રૂપિયાથી વધુના આરટીજીએસ પર 40 રૂપિયા+જીએસટી ચાર્જ આપવો પડશે. અત્યારે 2થી 5 લાખ રૂપિયા સુધીના આરટીજીએસ પર 25 રૂપિયા અને 5 લાખથી ઉપરના આરટીજીએસ પર 50 રૂપિયાનો ચાર્જ ચૂકવવો પડે છે.