GDPમાં ઘટાડા પાછળના જવાબદાર કારણોની શોધ કરતાં આર્થિક પંડિતો

નવી દિલ્હી– વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની ટીમે શુક્રવારે તેમનો કાર્યભાર સંભાળ્યો આ વચ્ચે આર્થિક મોર્ચા પર સરકારને પાંચ વર્ષનો સૌથી મોટો ઝટકો લાગ્યો. નાણાંકીય વર્ષ 2018-19ના ચોથા ત્રિમાસિક ગાળામાં દેશના આર્થીક વૃદ્ધિ દરની ગાડી 5.8 ટકા પર અટકી ગઈ. તો વર્ષ 2018-19 દરમિયાન જીડીપી વૃદ્ધિ દર પણ ઘટીને પાંચ વર્ષના નીચલા સ્તર 6.8 ટકા પર રહ્યો. છેલ્લા 18 ત્રિમાસિક ગાળા પછી એવુ થયું છે કે, જેમાં જીડીપીની ગતિ 6 ટકાથી ઓછી રહી હોય. 2 વર્ષ પછી ફરી ભારત આ મામલે ચીનથી પાછળ રહી ગયું છે. આ થવા પાછળનું કારણ શું?

જીડીપીના આંકડમાં થયેલા ઘટાડાના કારણોની જો વાત કરીએ તો, કેટલાક આંતરરાષ્ટ્રીય અને ઘરેલુ કારણો આના માટે જવાબદાર છે. ઘરેલુ વપરાશમાં ઘટાડો, વૈશ્વિક વિકાસમાં મંદી અને યુએસ-ચીન વચ્ચે વેપાર યુદ્ધની અસર થઈ છે. એનબીએફસી કટોકટી, ખાનગી બેંકોના ધંધામાં મંદી અને ચોથા ત્રિમાસિકગાળામાં ઓછા સરકારી ખર્ચને કારણે પણ જીડીપીમાં ઘટાડો નોંધાયો છે.

એગ્રીકલ્ચર, માઈનિંગ અને મેન્યુફેક્ચરિંગમાં ખરાબ પ્રદર્શન

વિશ્વમાં છઠ્ઠા ક્રમનાં સૌથી મોટા ઓટો ઉત્પાદકના રૂપમાં જાણીતા થવા અને સ્માર્ટફોન પ્રોડક્શન વધવા છતાં  મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રનું પ્રદર્શન ખરાબ રહ્યું છે. ચોથા ક્વાર્ટરમાં મેન્યુફેક્ચરીંગ સેક્ટરનો વિકાસ દર 3.1 ટકા રહ્યો, જે 2018-19ના સમાન ગાળામાં 6.9 ટકા હતો. આ ઉપરાંત, કૃષિ અને ખાણકામ સેક્ટરનો વૃદ્ધિ દર ઓછો રહ્યો છે. કૃષિ, વનસંવર્ધન અને મત્સ્ય ઉદ્યોગનો વિકાસ દર નાણાકીય વર્ષ 2018-19માં 2.9 ટકા રહ્યો જે ગત વર્ષે 5 ટકા હતો. માઈનિંગ સેક્ટરનો વૃદ્ધિ દર 1.3 ટકા રહ્યો જે ગત વર્ષે  5.1 ટકા હતો.

આર્થિક બાબતોના સચિવ સુભાષ ચંદ્ર ગર્ગે કહ્યું કે, માર્ચ 2019ના રોજ પૂર્ણ થયેલા નાણાકીય વર્ષના ચોથા ક્વાર્ટરમાં, દેશના આર્થિક વિકાસમાં ઘટાડો એ એનબીએફસી સેક્ટરમાં દબાણ જેવા અસ્થાયી પરિબળોને કારણે આવ્યો છે. ગર્ગે જણાવ્યું કે, નાણાંકીય વર્ષ 2018-19ના ચોથા ક્વાર્ટરમાં, નોન-બેન્કિંગ ફાઇનાન્સ કંપનીઓ (એનબીએફસી) સેક્ટરમાં દબાણને કારણે, ભંડોળને અસર થઈ છે.

વર્તમાન નાણાંકીય વર્ષના પ્રથમ ત્રીમાસિક ગાળામાં વિકાસ દર ઓછો રહી શકે છે. સરકારએ એમ પણ માન્યું છે કે, બીજા ત્રીમાસિક પછી જ ગતિમાં વધારો થઈ શકશે.  ગર્ગે કહ્યું કે, ચાલુ નાણાંકીય વર્ષના પ્રથમ ત્રિમાસિકગાળામાં આર્થિક વૃદ્ધિ દર અપેક્ષા કરતા ધીમો રહેશે અને બીજા ત્રિમાસિકથી તેજી આવશે.

નાણાંકીય વર્ષ 2018-19ના અંતિમ ત્રિમાસિકને આધારે ભારત વિશ્વનો સૌથી ઝડપી આર્થિક વિકાસ દર ધરાવતો દેશ નથી રહ્યો. હવે આ સ્થાન ચીને લઈ લીધું છે. ગર્ગે કહ્યું કે, વાર્ષિક આર્થિક વૃદ્ધિ 6.8 ટકાના આધારે ભારત વિશ્વની તીવ્ર વૃદ્ધિ ધરાવતી અર્થવ્યવસ્થા ધરાવતો દેશ બન્યો છે.