હવે જૂનાં વાહનો રાખવા પડશે મોંઘા, સરકારે બ્લૂપ્રિન્ટ કરી તૈયાર

નવી દિલ્હી : વર્ષ 2000 અગાઉના વાહનો ખરીદવા અને રાખવા ખર્ચાળ સાબિત થઇ શકે છે. જેમાં ખાસ કરીને કોમર્શિયલ વાહનો પર તેની અસર વધુ જોવા મળશે. કેન્દ્ર સરકારના પ્રસ્તાવ મુજબ વાહનોને ફરી વખત રજિસ્ટ્રેશન કરાવવા માટે ભારે ટેક્સ ચૂકવવો પડી શકે છે જે અગાઉની રજિસ્ટ્રેશન ફી કરતાં 15થી20 ગણો વધુ હોઈ શકે છે. પેટ્રોલ અને ડીઝલ બંને પ્રકારના વાહનો પર આ ફી વધારો લાગુ થશે.

જૂના વાહનો દૂર કરવા માટે એક બ્લૂપ્રિન્ટ તૈયાર

ઘણાં અભ્યાસ થકી જાણવા મળ્યું થયું છે કે, નવા વાહનોની સરખામણીએ જૂના વાહનો 25 ગણું વધુ પ્રદૂષણ ફેલાવે છે. જેને કારણે હવે કેન્દ્ર સરકારે જૂના વાહનોને માર્ગો પરથી હટાવવા માટે બ્લ્યુપ્રિન્ટ ફાઇનલ કરી છે. આ પ્રસ્તાવને આગામી ત્રણચાર મહિનામાં લોન્ચ કરવામાં આવી શકે છે. આ પ્રસ્તાવ પર સરકારનું થિન્કટેન્ક ગણાતું નીતિ આયોગ પૂરજોશમાં કામ કરી રહ્યું છે.

તમને જણાવી દઈએ કે, આ પ્રસ્તાવ મુજબ જૂના વાહનોને નષ્ટ કરીને નવા વાહનો ખરીદનારને સરકાર તરફથી અમુક ટકા આર્થિક ફાયદો આપવામાં આવી શકે છે. આ સાથે જ રજિસ્ટ્રેશન ફીમાં પણ રાહત મળી શકે છે. સરકાર આ મુદ્દે વાહન ઉત્પાદકો સાથે પણ જૂના વાહનો વેચીને નવા વાહનો ખરીદનારાઓને ડિસ્કાઉન્ટ આપવા અંગે પણ ચર્ચા કરશે. આ પ્રસ્તાવ પર કેન્દ્ર સરકાર રાજ્યો સાથે પણ ચર્ચા વિચારણા કરી રહી છે.

આ ઉપરાંત સરકાર 15 વર્ષ જૂનાં વાહનો માટે વર્ષમાં 2 વખત ફિટનેસ ટેસ્ટ ફરજિયાત થઇ શકે છે. જે હાલ વર્ષમાં એક જ વખત થાય છે. આ ઉપરાંત રજિસ્ટ્રેશન કરાવવાની ફીમાં પણ વધારો થઇ શકે છે. કાયદા મુજબ દરેક વાહનનું 15 વર્ષ પછી ફરી વખત રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી હોય છે, જયારે બીજી વખત રજિસ્ટ્રેશન આગામી 5 વર્ષ માટે થાય છે.