નવી દિલ્હીઃ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ રેપો રેટમાં 0.25 બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે. આરબીઆઈએ રેપો રેટ 6.50 ટકાથી ઘટાડીને 6.25 ટકા કરી દીધો છે. રેપો રેટમાં ઘટાડો થવાથી હોમ લોન, પર્સનલ લોન, ઓટો લોન અથવા લઘુ ઉદ્યોગો માટે ઋણના દરોમાં પણ ઘટાડો થવાની શક્યતાઓ છે.
અત્યારે રેપો રેટ 6.50 ટકા છે જેને આરબીઆઈએ ઘટાડીને 6.25 ટકા કરી દીધો છે. રેપો રેટ પર જ આરબીઆઈ બેંકોને એક દિવસ માટે ઉધાર આપે છે. આ રેટમાં ઘટાડો થવાથી બેંકોનું દેવું સસ્તુ થાય છે. કેન્દ્રીય બેંકે ગત વર્ષે ત્રણ મૌદ્રિક સમિતિ બેઠકમાં પોલિસી રેટ્સમાં કોઈ બદલાવ કર્યો નહોતો. આ પહેલા આ નાણાકિય વર્ષમાં બે વાર 0.25-0.25 ટકાની વૃદ્ધિ કરવામાં આવી હતી. ડિસેમ્બરની બેઠક બાદ આરબીઆઈએ કહ્યું હતું કે જો મોંઘવારી વધવાનું જોખમ ન રહે તો રેટમાં ઘટાડો કરાશે
આરબીઆઈએ વર્ષ 2019-20 માટે જીડીપીનું અનુમાન 7.4 ટકા રાખ્યું છે. વર્ષ 2019-20ના પહેલા છ મહિના માટે મોંઘવારી દરનું અનુમાન 3.2 થી 3.4 ટકા વચ્ચે રાખવામાં આવ્યું છે. વર્ષના ત્રીજા ત્રીમાસીક ગાળા માટે મોંઘવારી દરનું અનુમાન 3.9 ટકા રાખવામાં આવ્યું છે. શક્તિકાંત દાસે જણાવ્યું કે મોંઘવારી દર પોતાના 4 ટકાના લક્ષ્ય અથવા તેનાથી ઓછો રહેવાની અપેક્ષા છે અને મોંઘવારી દર ઓછો થવાથી આરબીઆઈ રેપો રેટને ઓછો કરી શકી છે. આ પહેલા ગત દ્રિમાસિક ફુગાવામાં રિઝર્વ બેંકે પ્રથમ છમાસિક ગાળા માટે 3.8 થી 4.2 ટકા ફુગાવાનું અનુમાન લગાવ્યું હતું.
આરબીઆઈએ ખેડુતો માટે જમાનત મુક્ત એગ્રીકલ્ચર લોનની સીમા 1 લાખ રુપિયાથી વધારીને 1.60 લાખ રુપિયા કરી દીધી છે. 60,000 રુપિયાની સીમા વધારવાનો નિર્ણય મોંઘવારી, એગ્રીકલ્ચર ઈનપુટ કોસ્ટ વધવા અને નાના ખેડુતોને ધ્યાનમાં રાખીને લેવાયો છે.
જરુરી વસ્તુઓ અને ઓઈલના ભાવમાં થોડો ઘટાડો આવવાથી રિટેલ મોંઘવારી દર ડિસેમ્બર 2018 માં 2.19 ટકા પર આવી ગયો જે 18 મહીનાનું ન્યૂનતમ સ્તર છે. જથ્થાબંધ મોંઘવારી દર ડિસેમ્બરમાં 3.80 ટકા રહ્યો જે 8 મહિનાના નીચલા સ્તર પર છે.