પશ્ચિમ બંગાળમાં રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 10,000 કરોડનું રોકાણ કરશે: મૂકેશ અંબાણી

કોલકાત્તાઃ ખાનગી ક્ષેત્રની દેશની સૌથી મોટી કંપની રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે પશ્ચિમ બંગાળમાં કંપનીના અમલ થઇ રહેલાં વિવિધ પ્રોજેક્ટમાં 10,000 કરોડનું રોકાણ કરવાની જાહેરાત કરી હતી.

“આજે અમારું પશ્ચિમ બંગાળમાં કુલ મૂડીરોકાણ રૂ.૨૮,૦૦૦ કરોડ જેટલું છે. અને અમે તેમાં રૂ.10,000 કરોડનો વધારો કરવાનું આયોજન કરી રહ્યાં છીએ,” એમ રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજીંગ ડાયરેક્ટર મુકેશ અંબાણીએ બેન્ગાલ ગ્લોબલ બિઝ્નેસ સમિટમાં જણાવ્યું હતું.

એમણે વધુમાં જણાવ્યું હતું કે મોટાભાગનું નવું મૂડીરોકાણ જિઓમાં થશે અને જિઓ પશ્ચિમ બંગાળની ૧૦૦% વસતીને આવરી લેશે. “પશ્ચિમ બંગાળના દરેક ઘરમાં ડિજિટલ સર્વિસ પહોચાડવા માટે ઓપ્ટિક ફાઈબર થકી જિઓ ગીગા ફાઈબર પ્રોજેક્ટ સારી રીતે આગળ વધી રહ્યો છે,” એમ જાણવી તેમણે ઉમેર્યું હતું કે જિઓ ગીગાફાઈબરથી પશ્ચિમ બંગાળનું દરેક ઘર ‘સ્માર્ટ હોમ’ બની જશે.

વર્ષ ૨૦૧૬માં રીલાયન્સ દ્વારા રૂ.૪,૫૦૦ કરોડનું રોકાણ કરવામાં આવ્યું હતું અને એ પછી વધુ રોકાણ થઇ રહ્યું છે જે આજે રૂ.૨૮,૦૦૦ કરોડ પહોંચી ગયું છે, જે ભારતમાં કંપનીના કુલ રોકાણનો દસમો ભાગ થવા જાય છે. રીલાયન્સ પશ્ચિમ બંગાળમાં ૫૦૦ રીટેલ સ્ટોર્સ અને ૪૬ પેટ્રોલ રીટેલ આઉટલેટ પણ ચાલવે છે તેમ જણાવતા અંબાણીએ ઉમેર્યું હતું કે રિલાયન્સ રાજ્યમાં ૩૦ લાખ ચોરસ ફૂટ જેટલી જગ્યામાં અલગ અલગ વેરહાઉસ પણ ધરાવે છે.

રાજ્યમાં નવા વાણિજ્ય અંગે તેમણે જણાવ્યું હતું કે પશ્ચિમ બંગાળ સમગ્ર પૂર્વ ભારતનું લોજિસ્ટિક હબ બનવા આગળ ધપી રહ્યું છે અને આ ક્ષેત્રમાં વર્ષ ૨૦૨૦ સુધીમાં લગભગ રૂ.૫,૦૦૦ કરોડનું રોકાણ આકર્ષવાની યોજના ધરાવે છે. “રીલાયન્સ અહી ૩૦ લાખ ચોરસફૂટ જગ્યામાં વેરહાઉસ ચલાવે છે અને અમારા નવા કોમર્સ આયોજન સાથે તે આગામી ૨૪ મહિનામાં અનેક ગણું વધી શકે છે,” એમ તેમણે જણાવ્યું હતું.

પોતાના સમ્ભોધનમાં અંબાણીએ રીલાયન્સ રીટેલ અને જિયો સાથે મળી નવું કોમર્સ પ્લેટફોર્મ શરુ કરવાની જાહેરાત કરી હતી. “આ પ્લેટફોર્મ થકી ગ્રાહકો, વેપારીઓ અને ઉત્પાદકો એમ દરેકને ફાયદો થશે. સમગ્ર દેશમાં આ પ્લેટફોર્મ થકી ત્રણ કરોડ જેટલા નાના દુકાનદારોને ફાયદો થશે,” એમ અંબાણીએ જણાવ્યું હતું.

કોલકતા ખાતે પ્રસ્તાવિત સીલીકોન વેલી હબ ખાતે રિલાયન્સ અત્યાધુનિક ડેટા સેન્ટર શરુ કરવાની યોજના ધરાવે છે. રિલાયન્સે અહી ૩૫૦ જેટલા જિયો પોઈન્ટ સ્થાપેલા છે અને આ વર્ષના અંત સુધીમાં તેની સંખ્યા ૧૦૦૦ થશે જેથી ગ્રામ્ય વિસ્તારો પણ ડીજીટલ કનેક્ટિવિટીથી જોડાઈ જશે, એમ મુકેશ અંબાણીએ જણાવ્યું હતું.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]