મુંબઈ – ભારતીય રિઝર્વ બેન્ક (RBI)એ એક નવા પ્રકારનું પ્રીપેડ પેમેન્ટ ઈન્સ્ટ્રૂમેન્ટ (PPI) બહાર પાડ્યું છે જેના ઉપયોગ દ્વારા દર મહિને માત્ર રૂ. 10 હજારની મર્યાદા સુધી ચીજવસ્તુઓ અને સેવાઓની ખરીદી કરી શકાશે.
નાની રકમના ડિજિટલ પેમેન્ટ્સનું પ્રમાણ વધારવા અને યૂઝર્સને ડિજિટલ સોદાઓનો અનુભવ વધારવાના ઉદ્દેશ્યથી આ નવા પ્રકારનું પ્રીપેડ પેમેન્ટ કાર્ડ બહાર પાડવામાં આવ્યું છે, એમ RBIએ એક સર્ક્યૂલરમાં જણાવ્યું છે.
આવા PPIમાં જમા રાખનારી રકમનો આંક રૂ. 10 હજારથી વધારી શકાશે નહીં અને નાણાકીય વર્ષ દરમિયાન કુલ રકમ રૂ. 1,20,000થી વધારે રાખી શકાશે નહીં.
PPI ઈસ્યૂ કરનારાઓએ યૂઝર્સને આ કાર્ડ કોઈ પણ સમયે બંધ કરવાનો વિકલ્પ પણ આપવાનો રહેશે. તેમજ કાર્ડ બંધ કરવાના સમયે બાકી રહેલી રકમને મૂળ સોર્સમાં પાછી ટ્રાન્સફર કરવાની પણ પરવાનગી આપવાની રહેશે.
PPI એવું નાણાકીય સાધન છે જેનાથી આ કાર્ડને બેન્ક એકાઉન્ટથી રિચાર્જ કરી શકાશે. બેન્કમાં રોકડ જમા કરાવીને પીપીઆઈને રિચાર્જ કરાવી શકાશે અથવા ડેબિટ કાર્ડની મદદથી પણ રિચાર્જ કરાવી શકાશે. ક્રેડિટ કાર્ડ બેલેન્સ દ્વારા પણ એને રિચાર્જ કરાવી શકાશે અથવા અન્ય પીપીઆઈની મદદથી એક મહિનામાં મહત્તમ 50 હજાર રૂપિયા સુધી રિચાર્જ કરાવી શકાશે.
આવું PPI કાર્ડ બેન્ક અને નોન-બેન્ક PPI ઈસ્યૂઅર્સ ધારકની મિનિમમ જરૂરી વિગત મેળવ્યા બાદ ઈસ્યૂ કરી શકશે.