નવી દિલ્હીઃ ભારતીય રિઝર્વ બેન્કે વર્ષ 2019-20માં 2000 રૂપિયાના મૂલ્યની નવી નોટો છાપી નથી. આ સમયગાળામાં 2000 રૂપિયાની નોટો ચલણમાં ઓછી છે, રિઝર્વ બેન્કના 2019-20ના વાર્ષિક અહેવાલમાં આ માહિતી આપવામાં આવી છે. જોકે આ અહેવાલમાં ખુલાસો થયો છે કે 200 અને 500 રૂપિયાની નોટોનું ચલણ ઝડપથી વધી રહ્યું છે.
2000 રૂપિયાનું ચલણ ઘટ્યું
માર્ચ, 2018ના અંત સુધી 2000 રૂપિયાની 33,632 લાખની નોટો ચલણમાં હતી, જે માર્ચ 2019-20માં એ ઘટીને 32,910 લાખ થઈ હતી. માર્ચ, 2020ના અંત સુધીમાં એ વધુ ઘટીને 27,398 લાખ નોટો થઈ હતી. અહેવાલ અનુસાર કુલ કરન્સીમાં 2000ની નોટોનો હિસ્સો માર્ચ, 2020ના અંત સુધી ઘટીને 2.4 ટકા થયો છે, જે માર્ચ, 2019ના અંત સુધીમાં એ ત્રણ ટકા અને માર્ચ, 2018ના અંત સુધીમાં 3.3 ટકા હતો, એમ અહેવાલ કહે છે.
500 અને 200 રૂપિયાની નોટોમાં વધારો
વર્ષ 2018થી ત્રણ વર્ષ દરમ્યાન 200 અને 500 રૂપિયાની નોટોનો ચલણમાં વધારો થયો છે. વર્ષ 2018માં 37,053 કરોડ રૂપિયા મૂલ્યની 18,526 લાખ 200 રૂપિયાની નોટ ચલણમાં હતી. વર્ષ 2019માં 80010 કરોડ રૂપિયાના મૂલ્યની 40005 લાખ 200 રૂપિયાની નોટ ચલણમાં હતી. જ્યારે માર્ચ, 2020 સુધીમાં 1,07,293 કરોડના મૂલ્યની 53,646 લાખ 200ની નોટો ચલણમાં હતી.
વર્ષ 2018માં 7,73,429 કરોડના મૂલ્યની 1,54,690 લાખ 500 રૂપિયાની નોટો ચલણમાં હતી, વર્ષ 2019માં 10,75,881 કરોડ રૂપિયાના મૂલ્યની 2,15,176 લાખ 500 રૂપિયાની નોટો ચલણમાં હતી. એટલે કે પાછલાં બે વર્ષોમાં આશરે સાત લાખ કરોડના મૂલ્યની વધુ 500 રૂપિયાની નોટ અને આશરે ત્રણ ગણી વધુ 200 રૂપિયાની નોટો ચલણમાં હતી.
2000 રૂપિયાની નોટો આ વર્ષે નથી છપાઈ
વર્ષ 2019-20માં 2000 રૂપિયાની કરન્સી નોટ છાપવાનો કોઈ ઓર્ડર આપવામાં નથી આવ્યો. ભારતીય રિઝર્વ બેન્ક નોટ મુદ્રણ પ્રાઇવેટ લિમિટેડ (BRBNMPL) અને સિક્યોરિટી પ્રિન્ટિંગ એન્ડ મીટિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (SPMCIL)ની તરફથી 2000 રૂપિયાની નોટ કોઈ નવો પુરવઠો નથી પૂરો પાડવામાં આવ્યો. 2019-20માં બેન્ક નોટો માટે ઓર્ડર એક વર્ષ પહેલાંની તુલનાએ 13.1 ટકા ઘટ્યો છે.
પાછલાં બે વર્ષમાં સરક્યુલેશન ઓછું થયું
પાછલા બે વર્ષોમાં 5512 લાખ 2000 રૂપિયાની નોટોનું ચલણ ઘટ્યું છે. જો મૂલ્યમાં જોઈએ તો વર્ષ 2018માં કુલ નોટોના 37.3 ટકા એટલે કે 6,72,642 કરોડ રૂપિયાના મૂલ્યની 2000 નોટો ચલણમાં હતી. વર્ષ 2019માં 6,58,199 કરોડના મૂલ્યની 2000 રૂપિયાની નોટો ચલણમાં હતી, જે માર્ચ 2020માં ઘટીને 5,47,952 કરોડ રૂપિયાના મૂલ્યની 2000 રૂપિટાની નોટો ચલણમાં હતી. આમ બે વર્ષમાં 1,10,247 કરોડ રૂપિયાની નોટો ચલણમાં હતી.
બેન્ક નોટોના પુરવઠોમાં 23.3 ટકાનો ઘટાડો
વર્ષ 2019-20માં બેન્ક નોટો પુરવઠોનો પુરવઠો પણ પાછલા વર્ષની તુલનાએ 23.3 ટકા ઓછો હતો, એનું મુખ્ય કારણ કોવિડ-19 રોગચાળાને પગલે લાગુ થયેલું લોકડાઉન છે.
500 રૂપિયાની 1463 કરોડ નોટો છપાઈ
વર્ષ 2019-20માં 500 રૂપિયાની 1463 કરોડ નોટોની છપાઈનો ઓર્ડર આપવામાં આવ્યો હતો. આમાં 1200 કરોડ નોટોનો પુરવઠો પૂરો પડાયો હતો, જે વર્ષ 2018-19માં 1169 કરોડ નોટોની છપાઈના ઓર્ડર પર 1147 કરોડ નોટોનો પુરવઠો પૂરો પાડવામાં આવી હતી.
100 રૂપિયાની 330 કરોડ નોટો છપાઈ
વર્ષ 2019-20માં 100 રૂપિયાની 330 કરોડ નોટો છપાઈનો ઓર્ડર આપવામાં આવ્યો હતો. આ જ પ્રકારે 50 રૂપિયાની 240 કરોડ નોટો, 200 રૂપિયાની 205 કરોડ નોટ, 10 રૂપિયાની 147 કરોડ નોટો અનમે 20 રૂપિયાની 125 કરોડ નોટો છાપવાનો ઓર્ડર આપવામાં આવ્યો હતો. આમાંનો મોટા ભાગનો પુરવઠો નાણાં વર્ષ દરમ્યાન કરવામાં આવ્યો હતો.
ત્રણ લાખ નકલી નોટો પકડાઈ
વર્ષ 2019-20માં બેન્કિંગ ક્ષેત્રમાં પકડી ગયેલી નકલી નોટોમાંથી 4.6 ટકા રિઝર્વ બેન્કના સ્તરે પકડવામાં આવી હતી. જ્યારે 95.4 ટકા નકલી નોટો અન્ય બેન્કોના સ્તરે પકડવામાં આવી હતી. કુલ મળીને 2,96,695 નકલી નોટો પકડવામાં આવી હતી.
200 રૂપિયાની નકલી નોટોમાં સૌથી મોટો વધારો
પાછલા વર્ષની તુલના કરવામાં આવે તો 10ની નકલી નોટોમાં 144.6 ટકા, 50 રૂપિયાની નકલી નોટોમાં 28.7 ટકા, 200ની નકલી નોટોમાં 151.2 ટકા તથા 500 રૂપિયાની નકલી નોટોમાં 37.5 ટકાનો વધારો થયો હતો.
નોટબંધી પછી નવી નોટો ચલણમાં આવી
રિઝર્વ બેન્કની 2000, 500, 200, 100, 50, 20 અને 10 રૂપિયાની નવી ડિઝાઈનવાળી નોટ જારી કરી હતી.