નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસને પગલે સંપૂર્ણ લોકડાઉન કરવામાં આવ્યું છે, પણ પહેલી એપ્રિલથી પંજાબ નેશનલ બેન્કમાં ઓરિયેન્ટલ બેન્ક ઓફ કોમર્સ અને યુનાઇટેડ બેન્ક ઓફ ઇન્ડિયાનું વિલીનીકરણ અમલમાં આવી ગયું છે. જેથી પંજાબ નેશનલ બેન્ક દેશની જાહેર ક્ષેત્રની સૌથી બીજી મોટી બેન્ક બની ગઈ છે. દેશની સૌથી મોટી બીજા ક્રમાંકની બેન્ક પંજાબ નેશનલ બેન્ક પણ દેશભરમાં 11,000 શાખાઓ ધરાવે છે.
બેન્કિંગ ક્ષેત્રે લોકડાઉનની અસર
દેશમાં લોકડાઉનને પગલે લોકોને નાણાંની તંગી ના પડે એ માટે સરકારે બેન્કિંગ સેવા ચાલુ રાખી છે. પંજાબ નેશનલ બેન્કની પણ 30 માર્ચથી 95-96 શાખાઓમાં કામકાજ ચાલુ છે. જોકે લોકડાઉનને પગલે સરકારે ગ્રાહકોને નજીકના કોઈ પણ ATMથી નાણાં ઉપાડવાની છૂટ આપતાં બેન્કોમાં ગ્રાહકોની સંખ્યામાં 90 ટકાનો ઘટાડો નોંધાયો છે. વળી સરકારના આદેશ મુજબ બેન્કની દરેક શાખા અને ATMમાં રોકડનો પર્યાપ્ત ભંડોળ ઉપલબ્ધ છે. વળી સરકારે જાહેર કર્યા મુજબ ગરીબ જનતાના ખાતામાં બે દિવસમાં પૈસા જમા થઈ જશે.
ટર્મ લોનના હપતા આગળ વધારવા બેન્ક કઈ રીતે લાગુ કરશે
સરકારની જાહેરાત પ્રમાણે મોટા ભાગની સરકારી બેન્કોએ ઓટોમેટિક રીતે બધા લોનધારોને ટર્મ લોનના હપતા આગળ વધારવાનો નિર્ણય કર્યો છે. આનાથી લોનની મુદત વધુ ત્રણ મહિના વધી જશે, જે ગ્રાહક આનો લાભ નહીં ઉઠાવવા ઇચ્છે તેમણે બેન્કને જાણ કરવી પડશે.
સરકારે પંજાબ નેશનલ બેન્કના વિલીનીકકરણની જાહેરાત કરી કે તરત જ બેન્કો એની તૈયારીમાં લાગી ગઈ હતી. જોકે લોકડાઉનને કારણે બધા બેન્કોના બોર્ડમાં જરૂરી ફેરફાર માટે સમય લાગશે, પણ આ વિલીનીકકરણ પહેલી એપ્રિલથી અમલમાં આવી જશે. આને માટેની ટેક્નિકલ અને અન્ય જરૂરી પ્રક્રિયાઓ 15-20 દિવસોમાં પૂરી થઈ જશે. ગ્રાહકોનાં જૂનાં ATM કાર્ડ, ચેકબુક પણ હાલપૂરતા ચાલ્યા કરશે.
વિલીનીકરણ પછી બેન્કના બિઝનેસમાં નોંધપાત્ર વધારો
પંજાબ નેશનલ બેન્ક હવે બેન્કિંગ ક્ષેત્રે સ્ટેટ બેન્ક પછીની દેશની સૌથી મોટી બીજા ક્રમાંકની બેન્ક બની ગઈ છે. આ વિલીનીકરણથી બેન્ક મોટા પ્રોજેક્ટોને સરળતાથી ફંન્ડિંગ કરી શકશે. આ ઉપરાંત બેન્કની શાખાઓમાં પણ વધારો થતાં વધુ સારી બેન્કિંગ સેવાઓ બેન્ક આપી શકશે. વિલીનીકરણ પછી બેન્ક પાસે હવે 18,000 ATM, 11,000 શાખાઓની સાથે કુલ રૂ. 18 લાખ કરોડનો વેપાર-વ્યવસાય થઈ જશે. બેન્ક હવે ગ્રાહકોને મોબાઇલ અને ઇન્ટરનેટ બેન્કિંગ સહિતની વધુ સારી સુવિધા આપી શકશે.
પહેલી એપ્રિલથી વિલીનીકરણ પછી નવી બેન્કે નવા વર્ષે કામકાજ શરૂ કરી દીધું છે. તેનું એકાઉન્ટ વધુ મજબૂત બનશે. બેન્ક પર જૂના NPAનું ભારણ હવે નહીં રહે. જૂના ખાતાધારકોથી બાકી રકમની વસૂલાતની પ્રક્રિયા ઝડપી બનશે. આ વિલીનીકરણ પછી બેન્કના વેપાર-વ્યવસાયમાં 10-12 ટકાનો સતત વધારો થશે