નવી દિલ્હી: પ્રખ્યાત ફ્રેન્ચ અર્થશાસ્ત્રી ગાય સોર્મેને મોદી સરકારની આર્થિક નીતિઓની ટીકા કરતા કહ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આર્થિક સુધારા અધવચ્ચે જ અટકી ગયા છે, જેના કારણે દુનિયાભરના રોકાણકારો ભારતથી દૂર ભાગી રહ્યા છે. તેમણે કહ્યું કે ભારત સરકારે નવા ઉદ્યોગસાહસિકોના સમર્થનમાં એવા અનેક પગલા લીધા પરંતુ રાજકીય બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવાને કારણે આ સુધારાઓ અચાનક અટકી ગયા. આને કારણે અર્થવ્યવસ્થા પર નકારાત્મક પ્રભાવ પડી રહ્યો છે.
પ્રસિદ્ધ અર્થશાસ્ત્રીએ કહ્યું કે, ભારત અને વિદેશી રોકાણકારોમાં ડર જોવા મળી રહ્યો છે આજ કારણે તે ભારતામાં રોકાણ કરવાથી દૂર ભાગી રહ્યા છે. સોર્મેને ઘણા બધા પુસ્તકો લખ્યા છે. સોર્મેને કહ્યું કે, વર્તમાનમાં ભારતમાં સંરક્ષણવાદની વ્યાપક અસર છે. મોદીએ શરુઆતમાં નવા ભારતીય ઉદ્યોગસાહસિકોને પ્રોત્સાહન આપ્યું અને એક રાષ્ટ્રીય બજારનું નિર્માણ કર્યું. લાઈસન્સ રાજને ખત્મ કર્યું. તેમણે ભ્રષ્ટાચાર પર પ્રહાર કર્યો અને મેક ઈન ઈન્ડિયાને પ્રોત્સાહન આપ્યું.
આગળ કહ્યું કે, આટલું બધુ કરવા છતાં પીએમ મોદીના આર્થિક સુધારા અધવચ્ચે અટકી ગયા છે. તે પોતાના ઈકોનોમિક એજન્ડાને ભૂલી ગયા અને રાજકીય મામલાઓ પર ધ્યાન કેન્દ્રીત કરવા લાગ્યા. જેથી ભારત અને ભારત સરકારની છબી પર વિપરીત પ્રભાવ પડ્યો. તેમણે કહ્યું કે, હું હિન્દુત્વ અને નાગરિકતા કાયદા પર મોદી સરકારના નિર્ણયોનું સારા કે ખરાબ કારણો અંગે અનુમાન ન લાગાવી શકું. આવી વિકટ પરિસ્થિતિ પર હું કોઈ ટિપ્પણી ન કરી શકુ.
ગાય સોર્મેને અંતે કહ્યું કે, હું વૈશ્વિક સ્લો ડાઉનના કારણે અર્થવ્યવસ્થા પર પડતી અસર તરફ તમામનું ધ્યાન ખેંચવા માગુ છું. રોકાણકારો અને સંસ્થાઓ વચ્ચે એક વિશ્વાસનો તાર હોય છે જેનો વર્તમાન સમયમાં રાષ્ટ્રીય સ્તર પર પણ ઉણપ જોવા મળી રહી છે. આ નિશ્ચિતપણે નિરાશાજનક છે આમા ફેરફારની જરૂર છે.