નવી દિલ્હીઃ નોટબંધી પછી દેશમાં મોટા શહેરોથી લઈને નાના ગામડાઓમાં પણ મોબાઈલ વોલેટનો વપરાશ સતત વધી રહ્યો છે. મોદી સરકાર ડિજિટલ પેમેન્ટ સર્વિસને પ્રોત્સાહન આપવા સતત પ્રયત્નો હાથ ધરી રહી છે. એ વાત જૂદી છે કે, મોબાઈલ પેમેન્ટને લઈને અનેક ફરિયાદો પણ ઉઠી રહી છે.
હવે આ ફરિયાદોને ધ્યાનમાં રાખીને નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન (NPCI)એ ડિજિટલ પેમેન્ટ કંપનીઓ માટે નવા દિશાનિર્દેશો જાહેર કર્યા છે. જેથી ફોન પે અને ગૂગલ પે જેવી કંપનીઓને ઝટકો લાગી શકે છે. એનપીસીઆઈ એ યૂપીઆઈમાં રહેલા જોખમોમાં ઘટાડો કરવા નવા નિર્દેશો જાહેર કર્યાં છે.
એનપીસીઆઈ દ્વારા લાગૂ મહત્વપૂર્ણ જોગવાઈઓ માંથી એકમાં ડિજિટલ પેમેન્ટ કંપનીઓની યૂપીઆઈ બજાર ભાગીદારીની મર્યાદા નિર્ધારિત કરવામાં આવી છે. સરકારના આ પગલાથી ખાસ કરીને યૂપીઆઈ-ઓન્લી કંપનીઓને જ નુકસાન થશે, જેમાં વોલમાર્ટનું ફોનપે અને ગૂગલ પેની સાથે ટુંક સમયમાં જ લોન્ચ થનાર વોટ્સએપ પે પણ સામેલ છે. દિલચસ્પ વાત એ છે કે, પેટીએમ એકમાત્ર મોટી કંપની છે, જે યૂપીઆઈ ઉપરાંત પોતાના વોલેટ અને કાર્ડ્સનું સમર્થન કરી રહી છે. એપ્રિલ 2020થી ફોન પે અને ગૂગલ-પે એ પોતાની બજાર ભાગીદારી 33 ટકા સુધીની મર્યાદામાં રાખવી પડશે, જેનીથી ચોક્કસપણે તેમની વિકાસ યોજનાઓમાં અડચણ આવશે.
સૌથી વધુ બજાર હિસ્સેદારી પ્રાપ્ત કરનારી આ કંપનીઓએ અત્યાર સુધીમાં મોટા પ્રમાણમાં રોકાણ કર્યું છે, જેથી સરકારનું આ પગલું તેમના માટે મોટા ઝટકા સમાન છે. મહત્વનું છે કે, તાજેતરમાં જ મોર્ગન સ્ટેનલીએ વોલમાર્ટના શેરની કિંમતોમાં વદ્ધિ માટે ફોન-પેની સફળતાને શ્રેય આપ્યો હતો. પરંતુ હવે નવા નિયમોને કારણે કંપનીના મૂલ્યાંકન અને ભંડોળ એકત્ર કરવાની યોજનાઓને ફટકો પડી શકે છે, કારણ કે, તે ટાઈગર ગ્લોબલ, ટેન્સેન્ટ,ડીએસટી ગ્લોબલ, સોફ્ટબેંક અને અન્ય ગ્રુપ પાસેથી 1 અબજ ડોલરનું ભંડોળ મેળવવાની પ્રક્રિયામાં છે.
આ ક્ષેત્રના અન્ય દિગ્ગજો અને નિષ્ણાંતોએ એનપીસીઆઈના આ પગલાના વખાણ કર્યાં છે અને એમનું માનવું છે કે, આનાથી ભારતમાં ડિજિટલ પેમેન્ટના માળખાને સુરક્ષિત કરી શકાશે.