મોદી સરકારના 100 દિવસના કાર્યકાળમાં રોકાણકારોએ ગુમાવ્યા 12.5 લાખ કરોડ

નવી દિલ્હીઃ  આજકાલ એક તરફ કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકારની બીજી ટર્મના પ્રથમ સો દિવસ પૂરા થયાની ચર્ચા છે અને કેન્દ્ર સરકારના મંત્રીઓ વિવિધ રાજ્યોમાં જઇને પત્રકાર પરિષદ યોજીને સરકારની સિધ્ધિઓ વર્ણવી રહયા છે, ત્યારે બીજી તરફ શેરબજાર સરકારની ઉજવણીના રંગમાં ભંગ પાડે એવા સમાચાર લઇને આવ્યું છે.

આંકડાઓ એવું કહે છે કે, 30 મે 2019ના રોજ મોદી સરકારનો બીજો કાર્યકાળ શરુ થયા બાદ પ્રથમ 100 દિવસમાં જ રોકાણકારો 12.5 લાખ કરોડ રુપિયા ગુમાવી ચૂક્યા છે. સોમવારના રોજ બજાર બંધ થતા સમયે બોમ્બે સ્ટોક એક્સચેંજમાં લિસ્ટેડ કંપનીઓનું બજાર મૂલ્ય 1,41,15,316.39 કરોડ રુપિયા હતું, જ્યારે મોદી સરકારે સત્તા સંભાળી તે પહેલાના એક દિવસ પહેલા બજાર મૂલ્ય 1,53,62,936.40 કરોડ રુપિયા હતું.

30 મેથી અત્યારસુધી BSE નો સૂચક આંક સેન્સેક્સ 5.96 ટકા, અથવા 2,357 અંક જેટલો ઘટી ચૂક્યો છે, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો સૂચક આંક નિફ્ટી 50 માં 30 મે થી અત્યાર સુધી 7.23 ટકા, અથવા 858 અંકનો ઘટાડો નોંધવામાં આવ્યો છે. જાણકારો અનુસાર, શેર બજારોમાં ઘટાડોના કારણે આર્થિક વૃદ્ધી ધીમી પડી રહી છે, આ સીવાય વિદેશી ફંડોનું દેશમાંથી બહાર જવું અને કોર્પોરેટની ઓછી કમાણીનો પણ સમાવેશ થાય છે.

ભારતીય બજારોમાં વિદેશી રોકાણકારો વેચવાલીમાં આવી ગયા છે. વેચવાલીનું દબાણ એ સમયે વધ્યું, કે જ્યારે નાણાપ્રધાન નિર્મલા સીતારમણે જુલાઈમાં રજૂ કરવામાં આવેલા NDA સરકારના દ્વિતીય કાર્યકાળના પ્રથમ બજેટમાં વિદેશી રોકાણકારો પર સુપર-રિચ ટેક્સ લાગૂ કરી દીધો, જો કે આ ટેક્સને એક મહિના બાદ પાછો પણ ખેંચી લેવામાં આવ્યો. નેશનલ રિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ દ્વારા એકત્ર કરવામાં આવેલા આંકડાઓથી ખ્યાલ આવે છે કે FPI (વિદેશી પોર્ટફોલિયો રોકાણકાર) સરકાર ગઠન બાદથી અત્યારસુધી 28,260.50  કરોડ રુપિયાના શેર વેચી ચૂક્યા છે.  અમેરિકા અને ચીન વચ્ચે વ્યાપારમાં ખટરાગ વધવાથી મેટલ ઈન્ડેક્સમાં 20 ટકા જેટલો ઘટાડો થયો છે. વિશેષજ્ઞોનું કહેવું છે કે, એન્ટી-ડંપિંગ ડ્યૂટી છતા ચીન સસ્તુ સ્ટીલ વેચી રહ્યું છે, જેનાથી સ્થાનિક ધાતુ કંપનીઓને નુકસાન થઈ રહ્યું છે.

નિફ્ટીના ઓટો ઈન્ડેક્સમાં 13.48 ટકાનો ઘટાડો નોંધવામાં આવ્યો છે, કારણ કે ઓટો ઉદ્યોગ છેલ્લા બે દશકની સૌથી ભયાનક મંદીનો સામનો કરી રહ્યો છે. IDBI કેપિટલમાં રિસર્ચ પ્રમુખ એ.કે.પ્રભાકરને મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, આપણે છેલ્લા પાંચ વર્ષ દરમિયાન ઓટો ક્ષેત્રમાં જોરદાર ઉછાળો જોયો છે, એટલા માટે મંદી પણ સ્પષ્ટ નજર આવી રહી છે. 4 વ્હીલરોનું આટલુ શાનદાર વેચાણ (ગત પાંચ વર્ષ જેવું) ક્યારેય નથી જોવા મળ્યું. છેલ્લા પાંચ વર્ષમાં મારુતિ સુઝુકીએ જે પ્રકારે પ્રગતિ કરી છે, તે અદભૂત છે.