નવી દિલ્હીઃ દેશના ઓટોમોબાઈલ માર્કેટ માટે નવેમ્બર મહિનો પણ મુશ્કેલીભર્યો જ રહ્યો છે. સ્થાનિકમાં પેસેન્જર વાહનોનું વેચાણ નવેમ્બરમાં 0.84 ટકા ઘટીને 2,63,773 એકમ થઈ ગયુ છે, જે ગયા વર્ષના આ જ મહિનામાં 2,66,000 યુનિટ હતું. જો કે, આ આંકડો ફોર-વ્હીલર અને ટુ-વ્હીલર બંનેના વેચાણને જોડીને બતાવવામાં આવ્યો છે. સોસાયટી ઓફ ઇન્ડિયન ઓટોમોબાઇલ મેન્યુફેક્ચર્સ (SIAM) એ બહાર પાડેલા આંકડા મુજબ સ્થાનિક બજારમાં પેસેન્જર વ્હિકલ્સનું વેચાણ નવેમ્બર 2019માં 10.83 ટકા ઘટીને 1,60,306 એકમ રહ્યું છે. જે નવેમ્બર 2018માં 1,79,783 એકમ હતું.
બીજી તરફ સ્થાનિક બજારમાં મોટરસાયકલોના વેચાણમાં પણ મોટો ઘટાડો જોવા મળ્યો છે. મળેલી માહિતી મુજબ મોટર સાયકલનું વેચાણ ગત વર્ષના નવેમ્બર મહિનામાં 10,49,651 એકમની સરખામણીએ 14.87 ટકા ઘટીને 8,93,538 એકમ થયું છે. જો તમામ ટુ-વ્હીલર્સના વેચાણની વાત કરવામાં આવે તો એક વર્ષ અગાઉ નવેમ્બર મહિનામાં કુલ ટુ-વ્હિલરનું વેચાણ 14.27 ટકા ઘટીને 14,10,939 એકમ થયું છે, જે ગયા વર્ષે નવેમ્બર મહિનામાં 16,45,783 યુનિટ હતું. મંદીની અસર માત્ર પેસેન્જર વાહનના વેચાણ પર પડી છે એવુ નથી પરંતુ કમર્શિયલ વાહનોના વેચાણ પર પણ અસર પડી છે. SIAMએ જણાવ્યું હતું કે નવેમ્બરમાં વાણિજ્યિક વાહનોનું વેચાણ 14.98 ટકા ઘટીને 61,907 એકમ થઈ ગયું છે. વાહનોના વેચાણમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે, ત્યારે નિષ્ણાતોનું માનવું છે કે કંપનીઓ સરકારના નવા BS-6 ઉત્સર્જનના ધોરણ મુજબ તેમના વાહનોને અપડેટ કરવામાં વ્યસ્ત છે. આવી સ્થિતિમાં મોટા ભાગના ગ્રાહકો નવા મોડલોની રાહ જોવે છે, ત્યારે આની અસર વેચાણ પર પડી રહી છે. જો કે મારુતિ સુઝુકી આ બાબતમાં સૌથી આગળ છે, કંપનીએ અત્યાર સુધીમાં BS-6 એન્જિનથી તેના 7 મોડેલોને અપડેટ કર્યા છે.