નવી દિલ્હીઃ કોરોનાવાઈરસ રોગચાળો ફેલાતો રોકવા માટે સરકારો દ્વારા આંશિક લોકડાઉનના પગલાં લેવાથી શ્રમિકો-મજૂરોની અવરજવર તથા માલસામાનની હેરફેરની પ્રવૃત્તિઓ પર માઠી અસર પડશે અને તેને પરિણામે ઔદ્યોગિક ઉત્પાદન પર નોંધપાત્ર અવળી અસર પડશે, એમ કોન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી (સીઆઈઆઈ) સંસ્થાએ હાથ ધરેલા એક સર્વેક્ષણમાં જણાવવામાં આવ્યું છે. આ સર્વેમાં અનેક કોર્પોરેટ કંપનીઓના સીઈઓના મંતવ્યો મેળવવામાં આવ્યા છે.
સર્વેમાં સૂચવાયું છે કે કોરોના રોગચાળાના ચેપની બીજી લહેરનો ફેલાવો રોકવા માટે કોવિડ-કર્ફ્યૂ અને માઈક્રો-કન્ટેનમેન્ટ ઝોન જેવી વ્યૂહરચનાઓ અસરકારક છે. સર્વેમાં ભાગ લેનાર બહુમતી સીઈઓ દ્વારા એવી માન્યતા વ્યક્ત કરવામાં આવી છે કે આંશિક લોકડાઉન દરમિયાન શ્રમિકો-મજૂરોની અવરજવર તથા માલસામાનની હેરફેરની પ્રવૃત્તિઓ પર માઠી અસર પડશે અને તેને પરિણામે ઔદ્યોગિક ઉત્પાદન પર નોંધપાત્ર અવળી અસર પડશે. 56 ટકા સીઈઓએ એવી ચિંતા વ્યક્ત કરી હતી કે માલસામાનની હેરફેર અનુરૂપ પર્યાવરણ સિસ્ટમ પર નિયંત્રણો લાદવામાં આવશે તો 50 ટકા ઉત્પાદન ઘટી શકે છે. 67 ટકા સીઈઓએ કહ્યું કે સરકાર જો 45 કે તેથી વધુ ઉંમરના કર્મચારીઓના સામુહિક રસીકરણ પગલાને તેઓ ટેકો આપશે.