નવી દિલ્હી: જાહેર ક્ષેત્રની દૂરસંચાર કંપનીઓ ભારત સંચાર નિગમ લિ. (BSNL) અને મહાનગર ટેલીફોન નિગમ લિ. (MTNL)ની સ્વૈચ્છિક સેવાનિવૃત્તિ (વીઆરએસ) યોજનામાં અરજી કરવાની છેલ્લી તારીખ 3 ડિસેમ્બર હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર છેલ્લી તારીખ સુધીમાં બંન્ને કંપનીઓના કુલ 92,700 કર્મચારીઓએ વીઆરએસ માટે અરજી કરી છે. જેમાં બીએસએનના 78,300 કર્મચારીઓ અને એમટીએનએલના 14,378 કર્મચારીઓએ આવેદન કર્યું છે.
બીએસએનએલના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર પી.કે. પુરવારે કહ્યું કે, તમામ સર્કલોમાંથી મળતી માહિતી અનુસાર યોજના બંધ થવાની છેલ્લી તારીખ સુધીમાં 78,300 કર્મચારીઓએ વીઆરએસ માટે અરજી કરી છે. જે અમારા લક્ષ્યને અનુરુપ જ છે. અમને અંદાજે 82000 કર્મચારીઓની સંખ્યા ઘટવાની આશા હતી. વીઆરએસ માટે અરજી કરવા ઉપરાંત 6 હજાર કર્મચારીઓ એવા છે જે સેવાનિવૃત્ત થઈ ગયા છે. જાહેર ક્ષેત્રની દૂરસંચાર કંપનીઓએ વીઆરએસ માટે અરજી કરવાની અંતિમ તારીખ 3 ડિસેમ્બર નક્કી કરી હતી.
એમટીએનએલના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર સુનીલ કુમારે કહ્યું કે, કંપનીના કુલ 14,378 કર્મચારીઓએ વીઆરએસ માટે અરજી કરી છે. અમારું લક્ષ્ય 13,650 કર્મચારીઓનું હતું. કુમારે કહ્યું કે, આનાથી અમારુ વાર્ષિક વેતન બીલ 2272 કરોડ રુપિયાથી ઘટીને 500 કરોડ થઈ જશે. તેમણે આગળ કહ્યું કે, હવે અમારી પાસે 4430 કર્મચારીઓ છે જે સંચાલન માટે પૂરતા છે.