મુંબઈ- ગત વર્ષે ઓગસ્ટથી યસ બેંકના શેરોનું ધોવાણ ચાલું છે. ત્યારથી આ શેર 78 ટકા તૂટ્યો છે. જેને પગલે એક વ્યક્તિને 7000 કરોડ રૂપિયા (અંદાજે 1 અબજ ડોલર) ડુબી ગયા છે. આ વ્યક્તિનું નામ રાણા કપૂર છે. તે આ બેંકના સંસ્થાપક અને પૂર્વ સીઈઓ છે.
ખાનગી ક્ષેત્રની યસ બેંકે બુધવારે તેમના નાણાંકીય પરિણામો જાહેર કર્યા છે. જેના પરથી જાણાકારી મળે છે કે, બેંકના ડૂબેલા ઋણનો ગુણોત્તર 20 ટકા પહોચી ગયો છે. બ્લૂમબર્ગ બિલિનેયર્સ ઈન્ડેક્સ મુજબ બેંકની નેટવર્થ ઘટવાને કારણે રાણા કપૂરની નેટવર્થ ગત વર્ષે 20 ઓગસ્ટના 1.4 અબજ ડોલરથી ઘટીને 37.7 કરોડ ડોલર પર આવી ગઈ છે. 61 વર્ષના રાણા કપૂરે યસ બેંકને દેશની ચોથા નંબરની સૌથી મોટી ખાનગી બેંક બનાવી દીધી હતી. આ બેંકની શરુઆત 2004માં થઈ હતી. કપૂર આ બેંકના સહ સંસ્થાપક હતાં. ડૂબેલા ઋણનું એકાઉન્ટિંગને લઈને વિવાદ થયાં બાદ તેમણે બેંકના સીઈઓના પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું.
યસ બેંકના નવા સીઈઓ રવનીત ગિલ યસ બેંકને ફરીથી પાટા પર લાવવાનો પ્રયત્ન કરી રહ્યાં છે.એનબીએફસી સેક્ટરમાં લિક્વિડિટી સંકટની અસર યસ બેંક પર પડી છે. યસ બેંકે આ સેક્ટરને મોટા પ્રમાણમાં ઋણ આપ્યું છે. યસ બેંકમાં કપૂરની 10 ટકાથી વધારેની ભાગીદારી છે. જેમાંથી તેમની બે હોલ્ડિંગ કંપનીઓ યસ કેપિટલ (ઈન્ડિયા) પ્રાઈવેટ અને મોર્ગન ક્રેડિટ્સ પ્રાઈવેટનો સમાવેશ થાય છે. ગત વર્ષે તેમણે કહ્યું હતું કે, તે કદી પણ તેમના શેર નહીં વેચે, પરંતુ આ શેર તેમની પુત્રીઓને આપી દેશે.
શેરની વેલ્યૂમાં થયેલા ઘટાડા અંગે કપૂરને સવાલ પુછતા તેમણે આ મામલે કોઈ પણ ટિપ્પણી કરવાનો ઈનકાર કરી દીધો હતો. બ્રોકરેજ ફર્મ જેફરીઝની વિશ્લેષક નિલંજના કાર્ફાએ યસ બેંકના પરિણામોને અનુમાન કરતા ઘણા ખરાબ ગણાવ્યા છે. તેમણે બેંકના શેરોની ટાર્ગેટ પ્રાઈસને 80 રૂપિયાથી ઘટાડીને 50 રૂપિયા કરી દીધી છે. એનો અર્થ એવો થયો કે, યસ બેંકના શેરોમાં હજુ પણ 40 ટકાનો ઘટાડો આવશે.