ટોકિયો– ઓમાન સાગરમાં ઓઈલના બે ટેન્કરો પર થયેલા હુમલા પછી અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવને પગલે ક્રૂડ ઓઈલની કીમતોમાં વધારો થવા લાગ્યો છે. અમેરિકાના વિદેશ પ્રધાન માઈક પોમ્પિયોએ કહ્યું કે વોશિગ્ટન તરફથી ક્રૂડની સુરક્ષિત હેરફેર માટે જરૂરી પગલાં લેવામાં આવશે. ત્યાર બાદ સોમવારે ક્રૂડ ઓઈલની કીમતોમાં ફરી એક વખત ઉછાળો જોવા મળ્યો છે. પોમ્પિયોના આ નિવેદન પછી ક્રૂડ ઓઈલની કિંમતોમાં 0.4 ટકાનો ઉછાળો આવ્યો છે. અને હાલમાં પ્રતિ બેરલ 62.27 ડોલરના સ્તર પર પહોંચ્યું છે.
આ પહેલા ગુરુવારે ટેન્કરો પર હુમલા પછી ક્રૂડ ઓઈલની કિંમતોમાં 4.5 ટકા અને શુક્રવારે 1.1 ટકાનો વધારો થયો હતો. ઓમાનના દરિયામાં ઓઈલના ટેન્કરો પર થયેલા હુમલા માટે અમેરિકાએ કથિત રીતે ઈરાનને જવાબદાર ગણાવ્યું છે, જ્યારે ઈરાને આ મામલે સ્પષ્ટ ઈનકાર કર્યો હતો. વિશ્વભરમાં થતી ક્રૂડ ઓઈલની સપ્લાઈનો 40 ટકા હિસ્સો ઓમાનના દરિયામાં થઈને પસાર થાય છે.
છેલ્લા એક મહિનામાં આ બીજી વખત ઓઈલના ટેન્કરો પર હુમલો થયો છે. પોમ્પિયોએ આ હુમલા પછી કહ્યું હતું કે, અમે યુદ્ધ નથી ઈચ્છતા. પરંતુ આ સ્થિતિને રોકવા માટે જે પણ કરવું પડશે તે અમે કરીશું. ત્યાર બાદ રવિવારે ફરી એક વખતે તેમણે ઈરાનને ચેતવણી આપતા કહ્યું કે, ઈરાનીઓને એ સ્પષ્ટ રીતે સમજવુ જોઈએ કે, આ પ્રકારના વ્યવહારની વિરુદ્ધમાં જરૂરી એક્શન લેતા રહીશું.