મુંબઈઃ નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) એ અક્ષય તૃતીયાના અવસર પર એટલે કે 7 મેના રોજ ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ (ETF) અને સોવરેન ગોલ્ડ બોન્ડમાં ટ્રેડિંગના સમયમાં વધારો કરવાની જાહેરાત કરી છે. આ દિવસે સાંજે 7 વાગ્યા સુધી કામકાજ ચાલુ રહેશે. 7મેના રોજ અક્ષય તૃતીયાનું પર્વ છે. આ દિવસે સોનાની ખરીદી કરવી શુભ માનવામાં આવે છે.
NSEએ તેના સર્કુલરમાં કહ્યું છે કે, માત્ર ગોલ્ડ ટ્રેડિંગ માટે સમય વધારવામાં આવ્યો છે. અન્ય બજારોમાં ટ્રેડિંગનો સમય પહેલાની જેમ જ રહેશે. ગોલ્ડ ઈટીએફ અનો સાવરેન ગોલ્ડ બોન્ડમાં ટ્રેડિંગનો સમય સાંજે 4.30થી ફરી શરુ થશે અને સાંજે 7 વાગ્યા સુધી ખુલ્લુ રહેશે.
હાલમાં જ વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલે તેમના રિપોર્ટમાં કહ્યું કે, અક્ષય તૃતીયા તહેવારને કારણે બીજા ત્રિમાસિકગાળા (કેલેન્ડર વર્ષ)માં સોનાની માગ વધવાની સંભાવના છે. કેલેન્ડર વર્ષ 2019 માટે ભારતમાં વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલે 750 850 ટન સોનાની માગ રહેવાનું અનુમાન લગાવ્યું છે.
શું છે ગોલ્ડ ઈટીએફ?
ગોલ્ડ ઈટીએફ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ હોય છે. ઘરેલુ બજારમાં સોનાના હાજર ભાવ પર ટ્રેક કરે છે. ગોલ્ડ ઈટીએફમાં રોકાણ સ્ટોક એક્સચેન્જ મારફતે કરી શકાય છે. આ વર્ચુઅલ ફોર્મમાં ગોલ્ડ હોય છે. જો કે, રોકાણકારો ઈચ્છે તો આની ફિઝિકલ ડિલિવરી લઈ શકે છે. માર્કેટ ટ્રેડિંગ દરમિયાન રોકાણકાર કોઈ પણ સયમે આ ફંડમાં રોકાણ કરી શકે છે.