એનએસઈનો ત્રિમાસિક ચોખ્ખો નફો 19% વધીને રૂ.1,810 કરોડ થયો

મુંબઈ તા. 16 મે, 2023: દેશના અગ્રણી એક્સચેન્જ એનએસઈના નાણાકીય વર્ષ 2023ના ચોથા ત્રિમાસિક ગાળાના અંતે ચોખ્ખો નફો આગલા વર્ષના સમાન ગાળાના રૂ.1,518 કરોડની તુલનાએ 19 ટકા વધીને રૂ.1,810 કરોડ થયો છે. એનએસઈના બોર્ડે શેરદીઠ રૂ.80ના ડિવિડંડની ભલામણ કરી છે.

વાર્ષિક ધોરણે કુલ કાર્યકારી આવક 44 ટકા વધીને રૂ.11,181 કરોડ, જ્યારે ચોથા ત્રિમાસિક ગાળાની કાર્યકારી આવક આગલા વર્ષના સમાન ગાળાની તુલનાએ 32 ટકા વધીને રૂ.3295 કરોડ થઈ છે.

માર્ચ, 2023 અંતેના ત્રિમાસિક ગાળાના અંતે ઘસારા, વ્યાજ અને કરવેરા પૂર્વેના નફાનું માર્જિન આગલા વર્ષના સમાન ગાળાના 73 ટકાની સામે ઘટીને 69 ટકા રહ્યું છે.

કોન્સોલિડેટેડ ધોરણે ત્રિમાસિક ગાળાના અંતે કામકાજની આવક 31 ટકા વધીને રૂ.3,453 કરોડ થઈ છે. કુલ આવકમાં ટ્રેડિંગ ઉપરાંત લિસ્ટિંગ, ઈન્ડેક્સ સર્વિસીસ, ડેટા સર્વિસીસ અને કોલોકેશન ફેસિલિટીની આવકનો સમાવેશ થાય છે.

માર્ચ 2023 અંતેના ત્રિમાસિક ગાળાના અંતે કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો આગલા વર્ષના સમાન ગાળાના રૂ.1,580 કરોડથી 31 ટકા વધીને રૂ.2,067 કરોડ થયો છે. ત્રિમાસિક કોન્સોલિડેટેડ ચોખ્ખા નફાનું માર્જિન  જોકે ગયા વર્ષ જેટલું જ 55 ટકા રહ્યું છે.

એક્સચેન્જના કેશ માર્કેટ સેગમેન્ટમાં ટ્રેડિંગ વોલ્યુમની દૈનિક સરેરાશ 20 ટકા ઘટીને રૂ.53,694 કરોડ અને ઈક્વિટી ફ્યુચર્સનુી ત્રણ ટકા ઘટીને રૂ.1,14,831 કરોડ રહી છે. ઓપ્શન્સના વોલ્યુમ (પ્રીમિયમ)ની દૈનિક સરેરાશ જોકે 73 ટકા વધીને રૂ.47,744 કરોડ રહી છે.

એનએસઈએ રાષ્ટ્રની તિજોરીમાં કરરૂપે રૂ.28,989 કરોડનું યોગદાન આપ્યું છે, જેમાં  સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સના રૂ.21,965 કરોડ, સ્ટેમ્પ ડ્યુટી રૂ.1,987 કરોડ જીએસટી રૂ.1,655 કરોડ, આવકવેરો રૂ.2,687 કરોડ અને સેબીની ફીના રૂ.695 કરોડનો સમાવેશ થાય છે.