નવી દિલ્હી- રેલવેના ખાનગીકરણની વિપક્ષની આશંકાઓને પાયાથી નકારી કાઢતા રેલવે પ્રધાન પીયુષ ગોયલે આજે સ્પષ્ટતા કરી છે કે, રેલવેનું ખાનગીકરણ કોઈ કરી જ ન શકે અને રેલવેના ખાનગીકરણનો કોઈ મતલબ પણ નથી. તેમણે વધુમાં કહ્યું કે, રાજકીય લાભો માટે નવી ટ્રેનોનું સપનું દેખાડવાને બદલે નરેન્દ્ર મોદી સરકારે સુવિધાઓ અને રોકાણ વધારવા માટે પીપીપી મોડલને આમંત્રિત કરવાનો નિર્ણય કર્યો છે.
લોકસભામાં વર્ષ 2019-20 માટે રેલવે મંત્રાલયના નિયંત્રણાધીન અનુદાનોની માગ પર ગુરુવારે મોડી રાત સુધી ચાલેલી ચર્ચાનો આજે જવાબ આપતા રેલવે પ્રધાન પીયુષ ગોયલે કહ્યું કે, હું અનેક વાર કહી ચૂક્યો છું કે, રેલવેનું ખાનગીકરણ નહીં કરવામાં આવે. પરંતુ કોઈ સુવિધા વધારવાની વાત કરે, ટેક્નોલોજી લાવવાની વાત કરી, કોઈ નવા સ્ટેશન બનાવાની વાત કરી, કોઈ હાઈ સ્પીડ, સેમી હાઈ સ્પીડ ટ્રેનો ચલાવાની વાત કરે, સ્ટેશન પર સુવિધા વધારવાની વાત કરે તો તેને માટે રોકાણકારોને આમંત્રિત કરવા જરૂરી છે.
પીયૂષ ગોયલે એમ પણ કહ્યું કે, રેલવેમાં સુવિધા વધારવા, ગામડા અને દેશના અલગ અલગ વિસ્તારોને રેલવે લાઈન સાથે જોડવા માટે મોટા રોકાણની જરૂર છે. સારી સુવિધા, સુરક્ષા, હાઈ સ્પીડ વગેરે માટે ખાનગી-જાહેર ભાગીદારી (PPP)ને પ્રોત્સાહિત કરવાનો સરકારે નિર્ણય કર્યો છે.
રેલવે મંત્રાલયના અનુદાનની માગ પર ચર્ચા દરમિયાન ગુરુવારે કોંગ્રેસ, તૃણમુલ, દ્રમુક સહિતના જૂદા જૂદા વિપક્ષી દળોએ સરકાર પર આરોપ લગાવ્યો કે, સામન્ય બજેટમાં રેલવેમાં જાહેર-ખાનગી ભાગીદારી (પીપીપી), નિગમીકરણ અને વિનિવેશ પર ભાર મુકવાની આડમાં ભારતીય રેલવેને ખાનગીકરણના રસ્તે લઈ જવામાં આવી રહી છે.