નવી દિલ્હી: ટેલિકોમ સેક્ટરમાં સંકટ પર નાણામંત્રી નિર્મલા સીતારમણે શુક્રવારે કહ્યું કે, સરકાર નથી ઈચ્છતી કે કોઈ કંપની બંધ થાય. અમે ઈચ્છીએ છીએ કે કોઈપણ કંપની હોય તે આગળ વધે. ઉલ્લેખનીય છે કે, બીજા ત્રિમાસિકમાં વોડાફોન આઈડિયા અને એરટેલને અંદાજે 74 હજાર કરોડની આસપાસ ખોટ થઈ છે. જેને કારણે ટેલિકોમ કંપનીઓ પર બંધ થવાનું સંકટ ટોળાઈ રહ્યું છે.
વોડાફોને બીજા ત્રિમાસિકમાં 50 હજાર કરોડ રૂપિયાનું કોર્પોરેટ ઈતિહાસનું અત્યાર સુધીની સૌથી મોટી ત્રિમાસિક ખોટ દર્શાવી છે. તો એરટેલ 23 હજાર કરોડ રૂપિયાની ખોટ દર્શાવી છે. બંને કંપનીઓને સાથે મળીને 74000 હજાર કરોડ રૂપિયાની ખોટ થઈ છે. જે બાદ આ બંને કંપનીઓ સામે મોટું નાણાકીય સંકટ ઉભું થયું છે. અને તેને કારણે કંપનીઓ બંધ કરી દેવી પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.
જો કે વિત્ત મંત્રીએ આ મામલે કહ્યું છે કે, અમે કોઈ કંપની બંધ થાય તેમ નથી ઈચ્છતા. તો આ કંપનીઓને સરકાર તરફથી રાહત મળશે કે કેમ તે અંગે પણ વિત્ત મંત્રીએ કોઈ સ્પષ્ટતા કરી ન હતી. સીતારમણે કહ્યું કે સરકારનો આશય તે તમામની ચિંતાઓને દૂર કરવાનો છે જે કોર્ટના નિર્ણય પછી એક વિશાળ સંકટમાંથી પસાર થઈ રહ્યા છે અને જેમણે સરકાર પાસે સંપર્ક કર્યો છે. તેમણે કહ્યું કે, “અમે એ હકીકતથી પણ સભાન છીએ કે સુપ્રીમ કોર્ટે આપણા પક્ષમાં આદેશ આપ્યો છે અને આવી સ્થિતિમાં ટેલિકમ્યુનિકેશન્સ વિભાગની ચિંતા પણ ધ્યાનમાં લેવાની છે. તેથી, સરકારની આર્થિક સ્થિતિ અને ટેલિકોમ ઉદ્યોગ માટેના નિર્ણયની અસરો અંગે આ બાબતે પગલાં લેવાનું રહેશે.