નિફ્ટી 26,000ને પારઃ મિડકેપ, સ્મોલકેપમાં નફારૂપી વેચવાલી

અમદાવાદઃ સપ્ટેમ્બર એક્સપાયરી પહેલાં બજારમાં તેજી યથાવત્ છે. સેન્સેક્સ અને નિફ્ટી રેકોર્ડ ઊંચાઈએ બંધ થયા હતા. નિફ્ટી સૌપ્રથમ વાર 26,000ને પાસ બંધ થયો હતો. નિફ્ટી સતત પાંચમા દિવસે તેજી સાથે બંધ થયો હતો. નિફ્ટી સતત ચોથા દિવસે રેકોર્ડ સ્તરે બંધ આવ્યો હતો. જોકે મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં દબાણ જોવા મળ્યું હતું.

ઘરેલુ શેરબજાર બેતરફી ટૂંકી વધઘટ અથડાઈ ગયાં હતાં. ચીનમાં આર્થિક સુધારાના એલાન પછી મેટલ શેરોમાં સૌથી વધુ તેજી જોવા મળી હતી. એ સિવાય એનર્જી રિટેલ અને મેટલ ઇન્ડેક્સ તેજી સાથે બંધ થયા હતા. મિડકેપ ઇન્ડેક્સમાં એક તબક્કે 500 પોઇન્ટ તૂટ્યો હતો.વૈશ્વિક બજારોમાંથી મળેલા મિશ્ર સંકેતો અને મુખ્ય એશિયાના બજારોમાં પણ મિશ્ર પ્રવાહ જોવા મળ્યા હતા. સેન્સેક્સ 256 પોઇન્ટ વધી 85,170ના સ્તરે બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 64 પોઇન્ટ વધી 26,005ના મથાળે બંધ થયો હતો. રોકાણકારોની સંપત્તિમાં રૂ. 83,000 કરોડનો ઘટાડો થયો હતો.

NSE પર ઉપલબ્ધ કામચલાઉ ડેટા મુજબ વિદેશી રોકાણકારો (FII)એ ગઈ કાલે ચોખ્ખી વેચવાલી કાઢી હતી. તેમણે રૂ. 2784.14 કરોડના શેર વેચ્યા હતા, જ્યારે ઘરેલુ રોકાણકારો (DII)એ ચોખ્ખી લેવાલી કાઢી હતી. તેમણે રૂ. 3868.31 કરોડના શેરોની લેવાલી કરી હતી.

સપ્ટેમ્બર એક્સપાયરીનો આવતી કાલે છેલ્લો દિવસ છે, એ પછી કંપનીઓના સપ્ટેમ્બર ત્રિમાસિક પરિણામો પર  અને રિઝર્વ બેન્કની દ્વિમાસિક ધિરાણ નીતિ પર બજારની નજર રહેશે.

BSE એક્સચેન્જ પર કુલ 4065 શેરોમાં કામકાજ થયાં હતાં, જેમાં 1700 શેરો તેજીની સાથે બંધ થયા હતા. આ સાથે 2252 શેરો નરમ બંધ રહ્યા હતા, જ્યારે 113 શેરો સપાટ બંધ રહ્યા હતા. આ સિવાય 329 શેરોએ 52 સપ્તાહની નવી ઊંચી સપાટી સર કરી હતી, જ્યારે 228 શેરોએ 52 સપ્તાહની નીચલી સપાટીએ પહોંચ્યા હતા.