નવી દિલ્હીઃ નેશનલ કંપની લો અપેલેટ ટ્રિબ્યુનલે બુધવારે સાયરસ મિસ્ત્રીના પક્ષમાં ચુકાદો આપતા કહ્યું હતું કે મિસ્ત્રીને ફરીથી ટાટા સન્સના ચેરમેન બનાવવામાં આવે. તેમને હટાવવાનો નિર્ણય યોગ્ય ન હતો. સાયરસ મિસ્ત્રીને ટાટા સન્સનના ચેરમેન પદ પરથી હટાવવાની વિરુદ્ધ કરવામાં આવેલી અરજી પર નેશનલ કંપની લો અપેલેટ ટ્રિબ્યુનલે આજે ચુકાદો આપ્યો હતો. નેશનલ કંપની લો ટ્રિબ્યુનલમાં કેસ હાર્ય બાદ મિસ્ત્રી અપેલેટ ટ્રિબ્યુનલમાં ગયા હતા. અપેલેટ ટ્રિબ્યુનલે જુલાઈમાં ચુકાદો અનામત રાખ્યો હતો. એનસીએલએટીએ ટાટા સન્સના ચેરમેન પદ પર એન ચંદ્રશેખરનની નિમણૂંકને પણ ખોટી ઠેરવી હતી. ચંદ્રશેખરન ફેબ્રુઆરી 2017માં ચેરમેન બન્યા હતા. એનસીએલએટીના નિર્ણયની વિરુદ્ધ અપીલ માટે ટાટા સન્સે 4 સપ્તાહનો સમય માંગ્યો હતો. એનસીએલએટીએ તેની મંજૂરી આપી હતી.
સાયરસ મિસ્ત્રીને ઓક્ટોબર 2016માં ટાટા સન્સના ચેરમેન પદ પરથી હટાવવામાં આવ્યા હતા. તેના બે મહિના બાદ મિસ્ત્રી તરફથી તેમના પરિવારની બે ઈન્વેસ્ટમેન્ટ કંપનીઓ- સાયરસ ઈન્વેસ્ટમેન્ટ પ્રાઈવેટ લિમિટેડ અને સ્ટર્લિંગ ઈન્વેસ્ટમેન્ટ કોર્પે ટાટા સન્સના ચુકાદાને નેશનલ કંપની લો ટ્રિબ્યુનલની મુંબઈ બેન્ચમાં પડકાર્યો હતો. આ કંપનીઓની દલીલ હતી કે મિસ્ત્રીને હટાવવાનો ચુકાદો કંપનીસ એક્ટના નિયમો મુજબ ન હતો, જોકે જુલાઈ 2018માં એનસીએલટીએ દાવાને ફગાવ્યો હતો. બાદમાં મિસ્ત્રીએ પોતે એનસીએલટીના ચુકાદાની વિરુદ્ધ અપીલ કરી હતી.
એનસીએલટીએ 9 જુલાઈ 2018ના ચુકાદામાં કહ્યું હતું કે ટાટા સન્સનું બોર્ડ સાયરસ મિસ્ત્રીને ચેરમેનના પદ પરથી હટાવવા માટે સક્ષમ હતું. મિસ્ત્રીને એટલા માટે હટાવવામાં આવ્યા હતા કારણ કે બોર્ડ અને મોટા શેરહોલ્ડર્સોને તેમની પર ભરોસો ન હતો.