નવી દિલ્હીઃ નેશનલ સેમ્પલ સર્વે ઓફિસ દ્વારા જાહેર કરવામાં આવેલા એક રીપોર્ટમાં દેશમાં રોજગાર અને કામદારો સાથે જોડાયેલી ઘણી મહત્વપૂર્ણ જાણકારી સામે આવી છે. NSSO અંતર્ગત પીરિયોડિક લેબર ફોર્સ સર્વેમાં ભારતમાં રોજગારની અસામાન્ય સ્થિતિ જોવા મળી છે. રીપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં બેરોજગારી દર છેલ્લાં 45 વર્ષની સરખામણીએ સૌથી વધારે છે.
વર્ષ 2017-18માં બેરોજગારી દર 6.1 ટકા હતો. પ્રાપ્ત વિગતો અનુસાર રીપોર્ટમાં ત્રણ શ્રેણીઓમાં કામદારોના આંકડા એકત્રિત કરવામાં આવ્યા છે. આ ત્રણ શ્રેણીઓ સ્વરોજગાર, નિયમિત વેતન અને કૈઝ્યુઅલ વર્કર્સની છે. રીપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ભારતમાં એક ગ્રામીણ મજૂર સપ્તાહમાં 48 કલાક મજૂરી કરે છે. જ્યારે શહેરોમાં આ કલાકો વધીને 56 થઈ જાય છે.
આનાથી સ્પષ્ટ છે કે ગ્રામીણ મજૂરોની તુલનામાં શહેરોમાં વધારે કામ કરવું પડી રહ્યું છે. શહેરોમાં કામ કરનારા લોકો ગામડામાં મજૂરી કરનારા લોકોની તુલનામાં વધારે કામ કરવા માટે મજબૂર છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે સ્વરોજગાર શ્રેણીમાં પુરુષ એક સપ્તાહમાં 50-51 કલાક કામ કરે છે તો ગ્રામીણ ક્ષેત્રોમાં મહિલાઓને 37-40 કલાક કામ કરવું પડે છે. રિપોર્ટ અનુસાર પુરુષોને 58-51 કલાક જ્યારે મહિલાઓને 41-42 કલાક પણ કામ કરવું પડે છે.
શહેરોમાં કામ કરનારા નોકરિયાત લોકો સપ્તાહમાં 57-58 કલાક કામ કરે છે. તો શહેરોમાં નોકરિયાત મહિલાઓ એક સપ્તાહમાં 50 કલાક કામ કરે છે. જો કે શહેરોમાં મહિલાઓ અને પુરુષો બંન્નેને બે થી ત્રણ કલાક વધારે પણ કામ કરવું પડે છે.
ત્યાં સુધી કે કેઝ્યુઅલ વર્કરની પણ નોકરીની તકો ઓછી છે પરંતુ તેના સામે પોતાના કામમાં વધારે સમય વિતાવવો પડે છે. ગ્રામીણ ક્ષેત્રોમાં કેઝ્યુઅલ વર્કર એક સપ્તાહમાં 44-46 કલાક કામ કરે છે, તો મહિલાઓ 37 થી 39 કલાક કામ કરે છે. શહેરોમાં મહિલાઓના કામના કલાકો 39-42 કલાક પ્રતિ સપ્તાહ થઈ જાય છે. 40 કલાક એ સ્ટાન્ડર્ડ ટાઈમ છે.