મંદીથી મ્યૂચ્યુઅલ ફંડના હાલ બેહાલઃ રોકાણ પચાસ ટકા ઘટ્યું

મુંબઈ: મંદીની ઝપેટમાં મ્યૂચ્યુઅલ ફંડના પણ હાલ બેહાલ થઈ ગયા છે. શેર બજારોમાં મ્યૂચ્યુઅલ ફંડ રોકાણ વર્ષના પ્રથમ 10 મહિનામાં અડધુ ઘટીને 55,700 કરોડ રૂપિયા રહ્યું. આનુ કારણ છે છૂટક રોકાણકારોની મ્યૂચ્યુઅલ ફંડમાં ભાગીદારી ઘટી રહી છે. સેબી (SEBI)ના આંકડાઓ પર નજર કરીએ તો ફંડ મેનેજરોએ ગયા વર્ષે જાન્યુઆરી ઓક્ટોબર દરમ્યાન 1.12 લાખ કરોડ રૂપિયાની કિંમતના શેર ખરીદ્યા હતા. પ્રાઈમ ઈન્વેસ્ચર ડોટ ઈન ના સહ સંસ્થાપક વિદ્યા બાલાએ કહ્યું કે, છૂટક રોકાણકારોનું મ્યૂચ્યુઅલ ફંડમાં રોકાણ ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે ઘટી ગયું છે.  જેના પરિણામ સ્વરૂપે મ્યૂચ્યુઅલ ફંડ તરફથી શેર બજારમાં રોકાણ ઓછુ થયું છે.

વિદ્યા બાલાએ વધુમાં કહ્યું કે, માર્કેટ નવી ઉંચાઈ પર પહોંચવા છતાં છૂટક રોકાણકારોને પોતાની સંપત્તિ પર કોઈ સકારાત્મક પ્રભાવ જોવા મળ્યો નહીં. એનુ કારણ છે તેજી માત્ર કેટલાક પસંદગીના શેરો સુધી સીમિત રહી. જો છૂટક રોકાણકારો રોકાણ માટે આગળ નહીં આવે, તો આગામી સમયમાં પણ આ સ્થિતિ યથાવત રહી શકે છે.

સેમકોમાં મ્યૂચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યૂશન કારોબારના પ્રમુખ ઓમકેશ્વર સિંહે કહ્યું કે, પ્રતિ મહિને શેરોમાં રોકાણ સકારાત્મક રહ્યું છે, પણ જો સિસ્ટેમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP)ના પ્રવાહને આમાંથી બાકાત કરી દેવામાં આવે તો આ પ્રવાહ નકારાત્મક થઈ જાય છે. એટલે કે રોકાણ ઓછું થયું છે.

એસઆઈપી મારફતે રોકાણકારો ચોક્કસ રકમ ચોક્કસ સમયમર્યાદા માટે લગાવે છે. આ વર્ષે કુલ 55,700 કરોડ રૂપિયાના રોકાણમાંથી મોટાભાગનું રોકાણ જુલાઈ સપ્ટેમ્બર દરમ્યાન થયું. ફંડ મેનેજરોએ આ દરમ્યાન શુદ્ધ રૂપથી 43,500 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું. તો વિદેશી રોકાણકારોએ આ ત્રણ મહીનામાં 22,400 કરોડ રૂપિયાનો નિકાલ કર્યો.