નવી દિલ્હી: નાની રોકાણ યોજનાઓમાં રોકાણ સુરક્ષિત હોવાની ગેરંટી ઘણી મહત્વની હોય છે. આ સ્થિતિમાં લોકો રોકાણના એવા વિકલ્પ શોધતા હોય છે જ્યાં સારા રિટર્નની સાથે રોકાણની રકમ પણ સુરક્ષિત રહે. પોસ્ટ ઓફિસ, બેંકોની નાની બચત યોજના ઉપરાંત નાની બચત યોજનાઓ માટે પીપીએફ પણ એક સારો વિકલ્પ છે.
પીપીએફમાં એકાઉન્ટ ખોલવા માટે કોઈ વય મર્યાદા નથી હોતી. જેથી જો તમે તમારા બાળકોના નામથી પણ ખાતુ ખોલવવા માગો તો તમે ગાર્ડિયનના રૂપમાં પીપીએફ એકાઉન્ટ ખોલાવીને ઓપરેટ કરી શકો છો. પીપીએફની ખાસ વાત એ છે કે, આમાં તમને બેંકો અને ફિક્સ ડિપોઝિટની તુલનામાં સારું રિટર્ન મળે છે.
કોઈ પણ વ્યક્તિ કોઈ પણ માઇનોરના ગાર્ડિયન તરીકે પીપીએફ ખાતુ ખોલાવી શકે છે. જોકે, ગાર્ડિયન એક બાળકના નામ પર એક જ ખાતુ ખોલાવી શકે છે. એટલે કે, એક જ બાળકના નામ પર માતા અને પિતા અલગ અલગ ખાતુ ખોલાવી ન શકે. પીપીએફ ખાતુ ખોલાવવા માટે તમે તમારી નજીકની પોસ્ટ ઓફિસ અથવા બેંક શાખામાં જઈ શકો છો.
એકાઉન્ટ ખોલાવવા માટે ગાર્ડિયને તેમના બાળક સાથે જોડાયેલી જાણકારી સાથે ફોર્મ ભરીને આપવાની રહે છે. ત્યારબાદ આ ખાતાની કેવાઈસી સંબંધિત દસ્તાવેજ ગાર્ડિયનના ફોટો સાથે આપવાના રહેશે. બાળકના પીપીએફ ખાતાની કેવાઈસી માટે બાળકનું આધાર કાર્ડ (જો હોય તો) અથવા બર્થ સર્ટિફિકેટ (જન્મ તારીખનો દાખલો) આપી શકો છો. પીપીએફ ખાતુ ઓછામાં ઓછુ 500 રૂપિયા કે તેથી વધુની રકમથી ખોલાવી શકો છો. નાણા તમે રોકડ અથવા ચેક મારફતે જમા કરાવી શકો છો.
પીપીએફ ખાતામાં તમારે એક વર્ષમાં ઓછામાં ઓછુ 500 રૂપિયાનું રોકાણ કરવાનું હોય છે. આનાથી વધુ એક વર્ષમાં 1.5 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકો છો. બાળકના ખાતામાં રોકાણ કરેલી રકમ પર ગાર્ડિયન ઈનકમ ટેક્સમાં સેક્શન 80સી હેઠળ ટેક્સ છૂટનો પણ લાભ મેળવી શકે છે.
અહીં ધ્યાન રાખવા જેવી વાત એ છે કે, જો બાળકના ગાર્ડિયનનું પહેલાથી જ પીપીએફ એકાઉન્ટ હોય અને તેમણે તેમના બાળકના નામથી પણ પીપીએફ એકાઉન્ટ ખોલાવ્યું હોય તો તેને બંને ખાતાને મેળવીને વધુમાં વધુ 1.5 લાખ રૂપિયાની જ ટેક્સ છૂટ મેળવી શકે છે.