હાઉસિંગ સેક્ટર માટે ખુશખબરઃ સરકારે 25 હજાર કરોડનું ફંડ મંજૂર કર્યું

નવી દિલ્હી – કેન્દ્ર સરકારે દેશના રિયલ એસ્ટેટ ક્ષેત્રને પુનઃ ચેતનવંતુ કરવા માટે આજે મહત્ત્વના નિર્ણયો લીધા છે. નાણાં પ્રધાન નિર્મલા સીતારામને આજે અહીં પત્રકાર પરિષદમાં જાહેરાત કરી હતી કે દેશભરમાં મુખ્યત્ત્વે આર્થિક કટોકટીને કારણે અટકી ગયેલા હાઉસિંગ પ્રોજેક્ટ્સને પુનર્જિવીત કરવા માટે સરકાર રિયલ એસ્ટેટ માર્કેટમાં રૂ. 10 હજાર કરોડનું ભંડોળ પૂરું પાડશે તેમજ બીજાં રૂ. 15 હજાર કરોડનું યોગદાન ભારતીય જીવન વીમા નિગમ (એલઆઈસી) અને સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (એસબીઆઈ) આપશે.

સીતારામને કહ્યું કે દેશભરમાં 1,600 જેટલા હાઉસિંગ પ્રોજેક્ટ અટકી ગયા છે. સરકાર રૂ. 25,000 કરોડનું બેલઆઉટ ફંડ પૂરૂં પાડશે એટલે આ અધૂરા રહેલા પ્રોજેક્ટ્સ પરનું કામકાજ ફરી શરૂ થશે અને એને પગલે અર્થતંત્રને બળ મળશે.

રિયલ એસ્ટેટ ક્ષેત્ર માટે રૂ. 25 હજાર કરોડનું ભંડોળ મંજૂર કરવાનો નિર્ણય વડા પ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષપદ હેઠળ આજે મળેલી કેબિનેટ મીટિંગમાં લેવામાં આવ્યો હતો.

સીતારામને કહ્યું કે સરકાર ઓલ્ટરનેટિવ ઈન્વેસ્ટમેન્ટ ફંડ (એઆઈએફ)માં રૂ. 10 હજાર કરોડ આપશે જ્યારે એલઆઈસી અને એસબીઆઈ રૂ. 15 હજાર કરોડ આપશે. આમ, ભંડોળનું કુલ કદ રૂ. 25 હજાર કરોડનું થશે.

અટકી ગયેલી 1,600 જેટલી હાઉસિંગ યોજનાઓને ફાઈનાન્સ મળવાથી કામકાજ ફરી શરૂ થશે. આ યોજનાઓમાં 4.58 લાખ જેટલા હાઉસિંગ એકમોનો પણ સમાવેશ થાય છે.

સરકારનો ઉદ્દેશ્ય હાઉસિંગ સેક્ટરમાં રોજગારની તકો ઊભી કરવા તેમજ સીમેન્ટ, લોખંડ અને પોલાદ ઉદ્યોગોની માગણીને પુનર્જિવીત કરવાનો છે. અર્થતંત્રના મુખ્ય સેક્ટરોમાં આવી પડેલી આર્થિક તાણને દૂર કરવા પાછળનો સરકારનો હેતુ છે.

સીતારામને કહ્યું કે આ ફંડ દ્વારા એક એકાઉન્ટ ખોલવામાં આવશે જેમાં ફંડ આપીને અધૂરા રહેલા હાઉસિંગ પ્રોજેક્ટોને મદદરૂપ થવાશે. RERA માં જે અધૂરા પ્રોજેક્ટ્સ છે એમને એક વ્યાવસાયિક અભિગમ અંતર્ગત સહયોગ આપવામાં આવશે. એવા પ્રોજેક્ટ માટે સરકાર આખરી તબક્કા સુધી મદદ કરશે. મતલબ કે જો 30 ટકા કામ અધૂરું હશે તો જ્યાં સુધી એ પ્રોજેક્ટ પૂરો નહીં થાય ત્યાં સુધી એને મદદ આપવામાં આવશે. જેથી ઘર ખરીદનાર ગ્રાહકોને જલદી એમનું ઘર સુપરત કરી શકાય.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]