નવી દિલ્હીઃ દુનિયાની દિગ્ગજ સોફ્ટવેર કંપની માઈક્રોસોફ્ટનો નફો ગત ત્રિમાસિક ગાળામાં વધીને 8.4 અબજ ડોલર રહ્યો છે. આનું મુખ્ય કારણ ક્લાઉડ કમ્પ્યુટિંગ અને વ્યાપારી સેવાઓનો લાભ મળ્યો તે છે. પરંતુ કંપનીની આવક વૃદ્ધિ ઉત્સાહજનક ન રહેવાથી તેના શેરમાં ઘટાડો નોંધાયો છે. કંપની જૂલાઈથી જૂનને પોતાનું નાણાકીય વર્ષ માને છે.
આ પહેલાંના નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિક ગાળામાં કંપનીને ખોટ થઈ હતી. સમીક્ષાવધિમાં કંપનીની આવક 12 ટકા વધીને 32.5 અબજ ડોલર રહી છે. આ બજારના અનુમાનોથી ઓછી રહી છે ત્યારે આવામાં પરિણામોની જાહેરાતના કેટલાક કલાકો બાદ કંપનીના શેરમાં 3.5 ટકા જેટલો ઘટાડો નોંધાયો હતો. કંપનીના મુખ્ય કાર્યકારી અધિકારી સત્ય નડેલાએ કહ્યું કે પોતાની ઘણી ગ્રાહક સેવાઓથી દૂર હટ્યા બાદ કંપનીને પોતાની ક્લાઉડ સેવાઓથી વધારે લાભ મળ્યો છે.
તેમણે જણાવ્યું કે અમારી મજબૂત વાણિજ્યક ક્લાઉડ સેવા તમામ ક્ષેત્રની મોટી કંપનીઓ સાથે અમારા પ્રગાઢ સંબંધો અને વધતી ભાગીદારી દર્શાવે છે. આ કંપનીઓ રિટેલ, નાણાકિય સેવા અને સ્વાસ્થ્ય ક્ષેત્ર સાથે જોડાયેલી છે. તેમણે જણાવ્યું કે પોતાની ક્લાઉડ સેવા અંતર્ગત અમે વિભિન્ન મુલ્યોની આપૂર્તિ કરી રહ્યા છીએ અને પ્રત્યેક દિવસે પોતાના કામથી ગ્રાહકોનો ભરોસો જીતી રહ્યા છીએ.