મુંબઈઃ મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (એમસીએક્સ) પોતાનું ટ્રેડિંગનું કામકાજ નિર્ધારિત સમયમર્યાદામાં નવા ટ્રેડિંગ પ્લેટફોર્મ પર લઈ જવામાં અસમર્થ રહ્યા બાદ તેણે સોફ્ટવેર સપોર્ટ માટેનો 63 મૂન્સ ટેક્નોલોજીસ સાથેનો કોન્ટ્રેક્ટ ફરી એક વખત લંબાવ્યો છે.
સ્ટોક એક્સચેન્જોને બુધવારે મોડી રાત્રે મોકલવામાં આવેલા ફાઇલિંગમાં એમસીએક્સ અને 63 મૂન્સે જણાવ્યું હતું કે કોન્ટ્રેક્ટ 1 જુલાઈ, 2023થી છ મહિનાના સમયગાળા માટે લંબાવવામાં આવ્યો છે.
એમસીએક્સના ફાઇલિંગમાં જણાવવામાં આવ્યું હતું કે દર ત્રણ મહિના માટે 125 કરોડ રૂપિયાના હિસાબે છ મહિનાના 250 કરોડ રૂપિયાની ચૂકવણી કરવાનું નક્કી થયું છે.
એમસીએક્સની એક સમયની સ્થાપક કંપની 63 મૂન્સ ટેક્નોલોજીસ (જૂનું નામ ફાઇનાન્શિયલ ટેક્નોલોજીસ ઇન્ડિયા લિમિટેડ) તરફથી ફાઇલિંગમાં જણાવવામાં આવ્યું હતું કે એમસીએક્સે છેલ્લી ઘડીએ કરેલી વિનંતીને પગલે કોન્ટ્રેક્ટ લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એમસીએક્સે ફરી એક વખત ‘આ છેલ્લી વાર છે’ એમ કહીને કોન્ટ્રેક્ટ લંબાવવાની વિનંતી કરી હતી.
અહીં નોંધવું ઘટે કે એમસીએક્સનો 63 મૂન્સ ટેક્નોલોજીસ સાથેનો કોન્ટ્રેક્ટ પૂરો થયા બાદ એમસીએક્સે સોફ્ટવેર સપોર્ટ સર્વિસ માટે આ ત્રીજી વાર વિનંતી કહી હતી. એમસીએક્સે નવી ટેક્નોલોજી સર્વિસ પ્રોવાઇડર તરીકે તાતા કન્સલ્ટન્સી સર્વિસીસ (ટીસીએસ)ની નિમણૂક ફેબ્રુઆરી 2021માં કરી લીધી હતી, પરંતુ નવા ટ્રેડિંગ પ્લેટફોર્મમાં સ્થાનાંતર કરવાનું હજી શક્ય બન્યું નથી. 63 મૂન્સનું કહેવું છે કે દેશ-વિદેશમાં પ્રચલિત સિસ્ટમ પ્રમાણે એમસીએક્સને પોતાના ઉપયોગ માટે સોફ્ટવેર સોર્સ કોડ ખરીદી લેવાનો વિકલ્પ ઓગસ્ટ 2020થી આપવામાં આવ્યો છે.
આ સાથે એ પણ નોંધવું રહ્યું કે એમસીએક્સે છેલ્લાં કેટલાંક સપ્તાહથી નવા ટ્રેડિંગ પ્લેટફોર્મનું મોક ટ્રેડિંગ સત્ર સતત રદ કરવું પડ્યું છે. આ કેન્સલેશન બજારમાં ખૂબ જ ચર્ચાસ્પદ બન્યું છે.
63 મૂન્સના ફાઇલિંગમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે કંપનીએ આપેલું એક્સચેન્જ એન્જિન છેલ્લાં વીસ વર્ષથી (2003થી) એમસીએક્સના કામકાજના કેન્દ્રમાં રહેલું છે અને રોજના 16 કલાકના હિસાબે અવિરત ચાલી રહ્યું છે. એમસીએક્સના સ્થાપક અને શુભેચ્છક તરીકે અમે એમને નવા પ્રયોગ માટે શુભેચ્છા આપીએ છીએ અને આશા રાખીએ છીએ કે તેઓ એક દિવસ યોગ્ય મુકામે પહોંચે.