નવી દિલ્હીઃ ઓટોમોબાઈલ કંપની મારૂતિ સુઝુકીએ શુક્રવારે 60,000થી વધુ કારને રિકૉલ(પાછી મંગાવી લીધી છે) કરી હોવાની જાહેરાત કરી છે. મારૂતિએ સિયાઝ,અર્ટિગા અને એક્સએલ6ના પેટ્રોલ સ્માર્ટ હાઈબ્રિડ વેરિયંટસના 63,493 યુનિટને રિકૉલ કર્યા છે. સિયાઝ, અર્ટિગા અને એક્સએલ6 પેટ્રોલ હાઈબ્રિડ વેરિયંટસના જે યુનિટને રિકૉલ કર્યા છે, તેનું મેન્યુફેકચરિંગ પહેલી જાન્યુઆરી, 2019થી 21 નવેમ્બર, 2019ની વચ્ચે છે. મારૂતિ આ કારના મોટર જનરેટર યુનિટ(એમજીયુ)માં સંભવિત ખામી દૂર કરવા માટેની તપાસ કરશે.
કંપનીએ કહ્યું છે કે મોટર જનરેટર યુનિટમાં સંભવિત ખામી એક ઓવરસીઝ ગ્લોબલ પાર્ટ સપ્લાયર દ્વારા કરાઈ અને મેન્યુફેકચરિંગ દરમિયાન આવી હોઈ શકે છે. મારૂતિએ કહ્યું છે કે આ વૉલેન્ટરી રિકૉલ છે, અને 6 સપ્ટેમ્બર, 2019થી શરૂ કરાયું છે. મારૂતિએ કહ્યું છે કે આ રિકૉલથી પ્રભાવિત ઓનર્સે કંપનીના ડીલરનો સંપર્ક કરશે. કંપનીએ વધુમાં કહ્યું થે કે જો ખરાબ પાર્ટ્સને રિપ્લેસ કરવા માટે ગાડીને રાખવાની જરૂર પડી તો મારૂતિ સુઝકી ડીલરશીપ્સ ઓનર્સને વૈકલ્પિક વ્હીકલ ઓફર કરવાનો પ્રયત્ન કરશે અને ખરાબ થયેલ પાર્ટસને રિપ્લેસમેન્ટ ફ્રીમાં કરી આપવામાં આવશે.
મારૂતિએ એક નિવેદનમાં જણાવ્યું છે કે પોતાના ગ્રાહકોના હિતોને ધ્યાનમાં રાખીને મારૂતિ સુઝુકીએ વ્હીકલની તપાસ માટે ગાડીઓને રિકૉલ કરી છે. તપાસમાં જે ગાડી બરોબર હશે, તેને તુરંત જ રીલીઝ કરી દેવાશે. જે ગાડીમાં પાર્ટ બદલવા જેવા હશે તેમને પાર્ટસ ફ્રી ઓફ કોસ્ટ બદલી આપવામાં આવશે. આ મારૂતિ કંપનીનો સૌથી મોટો રિકૉલ હશે. કંપનીઓ આ વર્ષ ઓગસ્ટમાં ફ્યૂલ હોજમાં ખામી દેખાતા 40,618 વેગન આરનો રિકૉલ કરી હતી. મારૂતિ એક્સએલ6 કારનું મહિનામાં સરેરાશ 4200 યુનિટનું વેચાણ થાય છે. અને અર્ટિગાનું મહિનાનું વેચાણ 7000 કારનું છે. જો કે મારૂતિ સિયાઝનું વેચાણ ઘટી રહ્યું છે. આ વર્ષે નવેમ્બરમાં સિયાઝનું વેચાણ 1148 કારનું જ રહ્યું છે. વાર્ષિક આધાર પર સિયાઝના વેચાણમાં 62 ટકાનો ઘટાડો થયો છે.