બીએસઈ સ્ટાર એમએફ ફાસ્ટ ટ્રેક પરઃ ભંડોળની ચોખ્ખી આવક 26% વધી

મુંબઈ – દેશના સૌથી મોટા મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રિબ્યુશન પ્લેટફોર્મ બીએસઈ સ્ટાર એમએફ બધી સર્વિસીસ પૂરું પાડનારું અદ્વિતીય પ્લેટફોર્મ બની રહેવાની કામગીરી કરી રહ્યું છે. બીએસઈ સ્ટાર એમએફ પર વર્તમાન વર્ષના નવેમ્બર, 2019 સુધીમાં ભંડોળની આવકમાં 26 ટકાનો વધારો (રૂ.1,88,953 કરોડમાંથી 48,947 કરોડ) થયો છે.

મ્યુચ્યુઅલ ફંડ ઈન્ડસ્ટ્રીઝના એક ચતુર્થાંશથી અધિક ચોખ્ખા ભંડોળને પ્રાપ્ત કરવાની આ સિદ્ધિ અંગે બીએસઈ સ્ટાર એમએફના વડા ગણેશ રામે કહ્યું, “ આ સિદ્ધિ આગામી દિવસોમાં બીએસઈના બજાર હિસ્સો વધારવાના વિઝન અને વિશ્વાસનો સ્પષ્ટ નિર્દેશ કરે છે. બીએસઈ પ્રતિ માસ 50 લાખ અને પ્રતિદિન 10 લાખ ટ્રાન્ઝેક્શનના લક્ષ્યાંકને સિદ્ધ કરવા માગે છે અને ટૂંક સમયમાં એ હાંસલ કરાશે.”

સર્વોચ્ચ સપોર્ટ સિસ્ટમ અને ડિસ્ટ્રિબ્યુશન વ્યાપને પગલે બીએસઈ સ્ટાર એમએફ ઝડપભેર પ્રગતિ કરી રહ્યું છે. પ્લેટફોર્મ પર હાલ 55,000 ડિસ્ટ્રિબ્યુટર્સ રજિસ્ટર થયેલા છે અને પ્લેટફોર્મ મહિને 46.7 લાખ અને પ્રતિદિન 7.84 લાખ ટ્રાન્ઝેક્શન પાર પાડવાની સિદ્ધિ હાંસલ કરી ચૂક્યું છે.

ચાલુ નાણાકીય વર્ષમાં એપ્રિલથી નવેમ્બર 2019 સુધીમાં બીએસઈ સ્ટાર એમએફએ રૂ. 1.17 લાખ કરોડના 3.41 કરોડ ટ્રાન્ઝેક્શન્સ કર્યા છે, જે અગાઉના નાણાકીય વર્ષના સમાન સમયગાળાની તુલનામાં 56% વૃદ્ધિ દર્શાવે છે. (રૂ.1.03 લાખ કરોડના 2.19 કરોડ ટ્રાન્ઝેક્શન્સ)

મોબાઇલ એપ્લિકેશને નવેમ્બર 2019 સુધીમાં આ નાણાકીય વર્ષમાં રૂ.1,367 કરોડના 1.41 લાખ ટ્રાન્ઝેક્શન ઉમેર્યા છે.

બીએસઈ સ્ટાર એમએફે વર્તમાન ત્રિમાસિક ગાળામાં નવા ગ્રાહકોનો 52 ટકા બજાર હિસ્સો પ્રાપ્ત કર્યો છે. પ્લેટફોર્મ પર નવેમ્બર 2019માં 2.4 લાખ નવી એસઆઈપી અને ત્રિમાસિક ગાળામાં 4.30 લાખ નવી એસઆઈપી નોંધાઈ હતી. નવેમ્બર, 2019માં બીએસઈ સ્ટાર એમએફએ 31,67,379 એસઆઈપી પ્રોસેસ કરી હતી.