નવી દિલ્હીઃ યુવા પોપ્યુલેશનમાં ઓલા, ઉબર સેવાઓનો ઉપયોગ વધવો એ આર્થિક મંદીનું કોઈ ઠોસ કારણ નથી પરંતુ આનાથી વિપરીત આ સંબંધમાં કોઈ નિષ્કર્ષ પર પહોંચવા માટે એક વિસ્તૃત અધ્યયન કરવાની આવશ્યકતા છે. દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકીના એક ટોચના અધિકારીએ આ જાણકારી આપી છે.
મારુતિ સુઝુકી ઈન્ડિયાના માર્કેટિંગ અને સેલ્સ વિભાગના કાર્યકારી ડિરેક્ટર શશાંક શ્રીવાસ્તવે કહ્યું કે એક ઈન્ટરવ્યુમાં મીડિયાને જણાવ્યું કે ભારતમાં કાર ખરીદવાને લઈને ધારણામાં અત્યારે કોઈ બદલાવ નથી આવ્યો અને લોકો પોતાની જરુરિયાત અંતર્ગત કાર ખરીદે છે. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે મંગળવારે કહ્યું હતું કે મોટાભાગના લોકોના દ્રષ્ટીકોણમાં બદલાવ આવ્યો છે જે હવે માસિક હપ્તાઓની ચૂકવણી કરતા એક કાર ખરીદવાની જગ્યાએ ઓલા અને ઉબર જેવી ટેક્સી સેવાનો લાભ લેવાનું પસંદ કરે છે અને આ ઓટો મોબાઈલ ક્ષેત્રમાં મંદીના ઘણા કારણો પૈકી એક છે.
શ્રીવાસ્તવે કહ્યું કે વર્તમાન મંદીની પાછળ ઓલા અને ઉબર જેવી સેવાઓનું હોવું એ કોઈ મોટું કારણ નથી. મને લાગે છે કે આ પ્રકારે નિષ્કર્ષો પર પહોંચતા પહેલા આપણે વધારે ધ્યાન આપવું પડશે અને અધ્યયન કરવું પડશે. તેમણે કહ્યું કે, ઓલા અને ઉબર જેવી સેવાઓ છેલ્લા 6-7 વર્ષોમાં સામે આવી છે. આ સમયગાળામાં ઓટો ઉદ્યોગે કેટલાક સારા અનુભવ પ્રાપ્ત કર્યા છે.