નવી દિલ્હી- ઓટો સેક્ટરમાં આવેલી મંદીના અહેવાલો વચ્ચે દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકીએ મોટો નિર્ણય કર્યો છે. મારુતિ તેના હરિયાણાના પ્લાન્ટ્સમાં આગામી બે દિવસ સુધી ગાડીઓનું ઉત્પાદન નહીં કરે. મળતી માહિતી મુજબ હરિયાણાના બંન્ને પ્લાન્ટ (ગુડગાંવ અને માનેસર)માં 7 અને 9 સપ્ટેમ્બરના રોજ ઉત્પાદન બંધ રાખવામાં આવશે. બંન્ને દિવસને કંપનીએ ‘નો પ્રોડક્શન ડે’ જાહેર કરી દીધો છે. કપંની 2012 પછી પ્રથમ વખત આવુ કરવા જઈ રહી છે.
મારુતિ દ્વારા અવારનવાર સ્ટોક વધુ હોવા અથવા વેચાણમાં ઘટાડો થવા પર આવુ કરવામાં આવે છે. મહત્વનું છે કે, ઓટો સેક્ટરમાં આવેલ મંદીના ભરડામાંથી મારુતિ પણ બાકાત નથી રહી. વેચાણ ઘટાડાને કારણે કપંનીએ ઓગસ્ટમાં એમનું ઉત્પાદન 33.99 ટકા ઘટાડવું પડ્યું હતું. કંપની છેલ્લા 7 મહિનાથી ઉત્પાદન ઘટાડી રહી છે. કંપનીએ આ વર્ષે ઓગસ્ટમાં 1,11,370 યૂનિટ બનાવ્યા હતા, જ્યારે ગત વર્ષે આ જ સમયગાળામાં કંપનીએ 1,68,725 યૂનિટ બનાવ્યા હતાં.
વેચાણની વાત કરીએ તો ચાલુ વર્ષે ઓગસ્ટ મહિનામાં 32.7 ટકા ઘટીને 1,06,413 વાહનોનું વેચાણ થયું હતું. ગત વર્ષે સમાન અવધીમાં કંપનીએ 1,58,189 વાહનોનું વેચાણ કર્યું હતું.