લક્ઝમબર્ગ, ઈન્ડિયા આઈએનએક્સ વચ્ચે સહકાર કરાર

ગાંધીનગર, 1 જૂન, 2022: ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક (ગિફ્ટ) સિટી ખાતે યોજાયેલા એક સમારંભમાં લક્ઝમબર્ગ સ્ટોક એક્સચેન્જ અને ઈન્ડિયા ઈન્ટરનેશનલ એક્સચેન્જ (આઈએફએસસી) લિમિટેડ (ઈન્ડિયા આઈએનએક્સ) વચ્ચે પરસ્પરના સહકાર માટેના કરાર કરવામાં આવ્યા હતા. આ કરાર હેઠળ બંને એક્સચેન્જ ભારતીય લિસ્ટેડ કંપનીઓની આંતરરાષ્ટ્રીય રોકાણકારોમાં ઉપસ્થિતિ વધારવા માટે કામ કરશે. ભારતીય કંપનીઓની સિક્યુરિટીઝને લક્ઝમબર્ગ સ્ટોક એક્સચેન્જમાં ટ્રેડિંગ માટે દાખલ કરવામાં આવશે.

પાવર ફાઈનાન્સ કોર્પોરેશનનાં 30 કરોડ યુરોનાં ગ્રીન બોન્ડ્સના લક્ઝમબર્ગ સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટિંગ પ્રસંગે (ડાબેથી જમણે) ઈન્ડિયા આઈએનએક્સના એમડી અને સીઈઓ વી. બાલાસુબ્રમણિયમ, પાવર ફાઈનાન્સ કોર્પોરેશનનાં ફાઈનાન્સ ડિરેક્ટર પરમીન્દર ચોપરા, આઈએફએસસીએના ચેરમેન ઈંજેતી શ્રીનિવાસ, પાવર ફાઈનાન્સ કોર્પોરેશનના સીએમડી રવીન્દર સિંહ ધિલ્લોં, લક્ઝમબર્ગનાં રાજદૂત પેગી ફ્રેન્તઝેન અને લક્ઝમબર્ગ સ્ટોક એક્સચેન્જના ડિરેક્ટર આર્નોડ ડેલેસ્ટિની

આ બંને સંસ્થાઓ દ્વારા નવેમ્બર, 2020માં સમજૂતી કરાર કરવામાં આવ્યો હતો, જેમાં ભારતમાં ગ્રીન ફાઈનાન્સને વેગ આપવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. આજની જાહેરાત ભારત અને આંતરરાષ્ટ્રીય મૂડીબજારો વચ્ચેના અંતરને નાબૂદ કરવાની દિશામાં અને સસ્ટેનેબલ ફાઈનાન્સ માટેના સહકારને વેગ આપવા માટેનું મહત્ત્વનું કદમ છે.

આ સમારંભમાં ભારતીય કંપની પાવર ફાઈનાન્સ કોર્પોરેશનનાં 30 કરોડ યુરોનાં લિસ્ટેડ ગ્રીન બોન્ડ્સને લક્ઝમબર્ગ ગ્રીન એક્સચેન્જમાં લિસ્ટેડ કરવામાં આવ્યાં હતાં.

આ પ્રસંગે ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસીસ સેન્ટર્સ ઓથોરિટીના ચેરમેન ઈંજેતી શ્રીનિવાસે કહ્યું કે આ સહકાર કરાર આઈએફએસસીને સસ્ટેનેબલ ફાઈનાન્સનું મથક બનાવવાની દિશામાંનું વધુ એક કદમ છે. એવી આશા રાખવામાં આવી રહી છે કે બંને એક્સચેન્જ વચ્ચેનો ગાઢ સહકાર ઈન્ડિયા આઈએનએક્સ પર લિસ્ટેડ ઈશ્યુઓની આંતરરાષ્ટ્રીય સ્તરે ઉપસ્થિતિમાં અને રોકાણકારોમાં વધારો કરશે.

લક્ઝમબર્ગ વિશ્વનું અગ્રણી એક્સચેન્જ છે, જેમાં 100થી અધિક દેશોના 2000 ઈશ્યુઅરોની ડેબ્ટ સિક્યુરિટીઝ લિસ્ટેડ છે. તે 1,300 ગ્રીન, સોશિયલ સસ્ટેનિબિલિટી લિન્ક્ડ બોન્ડ્સ ધરાવે છે.

આ પ્રસંગે  લક્ઝમબર્ગ સ્ટોક એક્સચેન્જના ડિરેક્ટર અને એક્ઝિક્યુટિવ કમિટીના મેમ્બર આર્નોડ ડેલેસ્ટિનીએ કહ્યું કે આ સહકાર એલએસઈ માટે મહત્ત્વપૂર્ણ સિદ્ધિ છે. આ કરારને પગલે ભારતીય ઈશ્યુઅરોને લાભ થશે, આંતરરાષ્ટ્રીય સ્તરે તેમની હાજરી વધશે અને આંતરાષ્ટ્રીય રોકાણકારો તેમના પ્રતિ આકર્ષાશે. આજે લિસ્ટ થઈ રહેલા ભારતીય ઈશ્યુનું સ્વાગત કરીએ છીએ અને અપેક્ષા રાખીએ છીએ કે અન્ય ઈશ્યુઅરો પણ તેનું અનુસરણ કરશે.

ઈન્ડિયા આઈએનએક્સના એમડી અને સીઈઓ વેન્કટરામાણી બાલાસુબ્રમણિયમે કહ્યું કે ઈન્ડિયા આઈએનએક્સ અને એલએસઈ વચ્ચેનો આ કરાર ભારતમાં વધુ ઈશ્યુઅર્સને આકર્ષશે અને આંતરરાષ્ટ્રીય રોકાણકારો પાસેથી ગ્રીન કેપિટલ પ્રાપ્ત કરવા વધુને વધુ ઈશ્યુઅરો આગળ આવશે. અમને આનંદ છે કે પાવર ફાઈનાન્સ કોર્પોરેશને તેનાં 30 કરોડ યુરોનાં ગ્રીન બોન્ડ્સ માટે ડબલ લિસ્ટિંગ પ્રાપ્ત કર્યું છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]