‘મેક ઈન ઈન્ડિયા’નો ડંકો: ક્રાયોસ્ટાટનું ઉત્પાદન કરી L&T એ મેળવી મોટી સફળતા

સુરત:  એલએન્ડટી ઈન્ડિયાએ દુનિયાના સૌથી મોટા અને જટિલ જોડાણવાળા સ્ટેનલેસ સ્ટીલના ઊંચા દબાણવાળા ઉપકરણ ક્રાયોસ્ટાટ બનાવવાનું કામ પાર પાડયું છે. L&T એ ’20 અબજ ડોલરના વૈશ્વિક ફ્યુઝન પ્રોજેક્ટ માટે ક્રાયોસ્ટાટ બનાવીને ‘મેક ઈન ઈન્ડિયા’નો વૈશ્વિક ફલક પર ડંકો વગાડ્યો છે.

દુનિયાના સૌથી મોટા ન્યુક્લિયર ફ્યુઝન રિએક્ટર ફ્રાન્સમાં બને છે. આ ન્યુક્લિયર ફ્યુઝન રિએક્ટરના એક મહત્વનો ભાગ ક્રાયોસ્ટાટને ‘લાર્સન એન્ડ ટુબ્રો’ના ગુજરાતના સુરત જિલ્લામાં આવેલાં હજીરા મેન્યુફેક્ચરીંગ સંકુલમાં બનાવીને ફ્રાન્સની કંપનીમાં મોકલવામાં આવ્યો છે. ફ્રાન્સ મોકલવામાં આવનાર ક્રાયોસ્ટાટ 650 ટન વજનનું છે. જેને દક્ષિણ ફ્રાન્સ સ્થિત રિએક્ટર પિટ માટે આઇટીઈઆરના ક્રાયોસ્ટાટ સાથે સ્થાપિત કરવામાં આવશે. ક્રાયોસ્ટાટ માટેની ફાઇનલ વર્ચ્યુઅલ ફ્લેગ-ઓફ્ફ સેરેમની એલ એન્ડ ટી કંપનીના સુરતના હજીરા મેન્યુફેક્ચરિંગ કોમ્પલેક્ષ ખાતે યોજવામાં આવી હતી.

ઈન્ટરનેશનલ થર્મોન્યુક્લિયર એક્સપેરિમેન્ટલ રિએક્ટર (ITER) ઈન્ડિયા દ્વારા 2012માં 3,850 ટન વજનના ક્રાયોસ્ટાટના ઉત્પાદન તેમજ તેને સ્થાપિત કરવા માટે ‘લાર્સન એન્ડ ટુબ્રો’ને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો.  ક્રાયોસ્ટાટ એ શૂન્યાવકાશ દબાણવાળા સ્ટેનલેસ સ્ટીલનું ઉપકરણ છે. જેને ન્યુક્લિયર ફ્યુઝન રીએક્ટરમાં સ્થાપિત કરવામાં આવે છે.

એલ એન્ડ ટીના ચેરમેન એ. એમ. નાઈકે આ બાબતે જણાવ્યું કે, ભારત તેમજ લાર્સન એન્ડ ટુબ્રો માટે આ એક બહુ જ ગર્વની ક્ષણ છે!’ ક્રાયોસ્ટાટ ઉપકરણ સાથે જોડાયેલા અતિ મહત્વાકાંક્ષી ક્લિન એનર્જી પ્રોજેક્ટ લિમિટલેસ કાર્બન ફ્રી એનર્જી જે ભવિષ્યમાં ઉર્જા પ્રદાન કરશે. ધરતીને હરિયાળી રાખવા માટેના આ વૈશ્વિક સહયોગી સંશોધન બદલ એલ એન્ડ ટી હંમેશા ગર્વ અનુભવે છે.

કંપનીએ ક્રાયોસ્ટાટની સપ્લાય આઈટીઈઆરને અવિરત પહોંચાડવા માટે પરિવર્તનશીલ અને ડિજિટલ મેન્યુફેક્ચરિંગ ટેક્નિક્સ્ અપનાવી છે. વિજ્ઞાન અને ટેકનોલોજીના આ વિશેષ ક્ષેત્રનું જ્ઞાન ભારતના સશક્તિકરણ માટે ‘આત્મ નિર્ભર ભારત’ બનવા તરફનું પ્રયાણ છે. આઇટીઈઆરનો આ પ્રોજેક્ટ 20 અબજ ડોલરનો છે અને ભારત આ પ્રોજેક્ટના એક ભાગરૂપે 9 ટકા ફાળો આપી રહ્યું છે.