નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીના સાતમા અને છેલ્લા તબક્કા માટે મતદાન થઈ રહ્યું છે. સાતમા તબક્કામાં સાત રાજ્યો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશ (UT)ની 57 સીટો પર 904 ઉમેદવારો માટે મતદાન થઈ રહ્યું છે. વર્ષ 2024ની લોકસભા ચૂંટણી પાછલા બધા રેકોર્ડ તોડતાં વિશ્વની સૌથી મોંઘી ચૂંટણી બની રહી છે, એમ સેન્ટર ફોર મિડિયા સ્ટડીઝનો અહેવાલ કહે છે.
સામાન્ય ચૂંટણીમાં આશરે રૂ. 1.35 લાખ કરોડ ખર્ચ થવાનો અંદાજ છે. જે પાછલી લોકસભા ચૂંટણી 2019માં ખર્ચ રૂ. 55,000-60,000 કરોડથી ક્યાંય વધુ છે. આ આંકડો વર્ષ 2020ની અમેરિકી ચૂંટણીમાં થયેલા ખર્ચ રૂ. 1.2 લાખ કરોડથી પણ વધુ છે. ચૂંટણી ઘણી ખર્ચીલી હોવાને કારણે આ વખતે એક મતની કિંમત રૂ. 1400 સુધી પહોંચી ગઈ છે.
ચૂંટણી પંચે ઉમેદવારો માટે કાયદાકીય રીતે પ્રત્યેક સંસદસભ્યદીઠ રૂ. 95 લાખ સુધીના ખર્ચની મર્યાદા નક્કી કરી હતી, જ્યારે વિધાનસભ્ય માટે રાજ્યના આધારે રૂ. 28 લાખથી રૂ. 40 લાખની ખર્ચની મર્યાદા રાખી હતી. જોકે અરુણાચલ પ્રદેશ જેવાં નાનાં રાજ્યો માટે આ મર્યાદા રૂ. 75 લાખ અને વિધાનસભ્ય માટે રૂ. 28 લાખની મર્યાદા છે. જોકે ફુગાવાને ધ્યાનમાં રાખતાં વર્ષ 2022માં આ મર્યાદાને સંશોધિત કરવામાં આવી હતી.
જોકે જેતે રાજકીય પક્ષો દ્વારા ખર્ચની કોઈ મર્યાદા રાખવામાં નહોતી આવી. ચૂંટણી ખર્ચની વ્યક્તિગત ઉમેદવારો પર ત્યારે લાગુ થાય છે, જ્યારે તેઓ નામાંકન પત્ર દાખલ કરે છે, જેમાં જાહેર બેઠકો, ચૂંટણી સભાઓ, જાહેરાતો અને પરિવહન ખર્ચ સામેલ હોય છે.