જાણો આ લોકોએ બજેટ 2024-25 પર શું આપી પ્રતિક્રિયા?

કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2024-25 માટે ફુલ કદનું બજેટ 23 જુલાઈના રજૂ કરવામાં આવ્યું. આ બજેટમાં મુખ્યત્વે શિક્ષણ, રોજગાર, ખેડૂતો, મહિલાઓ અને યુવાનો ફોક્સ કરવામાં આવ્યું છે. ત્યારે બજેટ રજૂ થયા બાદ PM સહિત અનેક દિગ્ગજ નેતાઓની પ્રક્રિયા સામે આવી છે. જેમાં સત્તાપક્ષે બજેટને વિકાસશીલ ગણાવી આવકાર્યું. તો બીજી બાજું વિરોધ પક્ષે આ બજેટની આકરી ટીકા પણ કરી છે. ત્યારે આવો જાણીએ જુદા-જુદા નિષ્ણાતોના દ્રષ્ટી કોણથી કેવું રહ્યું બજેટ..

પ્રિયમ પટેલ, એમડી, એન.કે. પ્રોટિન્સ પ્રાઇવેટ લિમિટેડના (તિરૂપતિ ઓઇલ)

બજેટમાં કૃષિ અને સંલગ્નક્ષેત્રો માટે રૂ. 1.52 લાખ કરોડની ફાળવળી દર્શાવે છે કે કૃષિ ઉત્પાદકતા પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યુ છે. મગફળી, તલ અને સૂર્યમુખી સહિત કઠોળ અને તેલીબિયામાં સ્વ-નિર્ભરતા માટેની પહેલ ખાદ્યતેલ ક્ષેત્રે આત્મ-નિર્ભરતા માટે મહત્વપૂર્ણ છે. ડિજિટલ ક્રોપ સર્વે તેમજ સ્ટોરેજ અને માર્કેટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવાની પહેલથી ખેડૂતોને ઘણો લાભ થશે, જે કૃષિક્ષેત્રની મજબૂતાઇ અને ટકાઉપણાને સુનિશ્ચિત કરશે. આ પગલાં અમારી ઇન્ડસ્ટ્રીની વૃદ્ધિ અને સ્થિરતાને સપોર્ટ કરશે તથા ટકાઉ વિકાસ અને આર્થિક વૃદ્ધિને બળ આપશે.

વિનોદ અગ્રવાલ, પ્રેસિડેન્ટ, SIAM

ભારતીય ઓટોમોબાઈલ ઉદ્યોગ માટે અનેક જાહેરાતો સાથે આર્થિક વૃદ્ધિ પર સતત ભાર મુકવામાં આવ્યો છે. ભારતીય ઓટોમોબાઈ ઈન્ડસ્ટ્રીઝ આ બજેટને આવકારે છે. આગામી 5 વર્ષમાં ગ્રામીણ વિકાસ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે રૂ. 2.66 લાખ કરોડની ફાળવણી જેવી જાહેરાતો એ આવકારદાયક પગલું છે. MSMEs ને સપોર્ટ કરવાથી ઘણા ઓટો સેક્ટર માટે મોટા સપ્લાયર બેઝ બનાવે છે. લિથિયમ, કોબાલ્ટ અને અન્ય દુર્લભ ખનીજોની આયાત પરની કસ્ટમ્સ ડ્યુટીમાંથી મુક્તિ અને લિ-આયન કોષો પર કસ્ટમ્સ ડ્યુટી પર મળલી રાહતની તારીખો માર્ચ 2026 લંબાવવામાં આવી છે. ઈ-ટ્રાન્ઝેક્શન્સ પર 2% ની ઇક્વલાઇઝેશન પરત ખેંચવામાં આવી છે. આ જાહેરાતથી ઓટો ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા લોકોનો વિકાસ થતો રહેશે..

વેંકટ ચલાસાણી, ચીફ એક્ઝિક્યુટિવ, AMFI

નાણામંત્રીએ વિકાસ લક્ષી બજેટ રજૂ કર્યું. કેપિટ્લ એક્સપેડિચરમાં કાપ કર્યા વગર નાણાકીય ગોઠવણ પર કેન્દ્રિત અને “વિક્સિત ભારત” માટેના સ્પષ્ટ રોડમૅપ સાથેનું આ બજેટ અત્યંત હકારાત્મક છે. લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ માટેની મુક્તિ મર્યાદામાં ₹1 લાખથી ₹1.25 લાખ સુધીનો વધારો એ આવકારદાયક ફેરફાર છે. જ્યારે એલટીસીજી અને એસટીસીજીના દરોમાં ફેરફારની ધારણા ન હતી. AMFIની ‘સ્પેસિફાઇડ મ્યુચ્યુઅલ ફંડ્સ’ની વ્યાખ્યા બદલવાની માંગણીને સેકશન 50AA હેઠળ માન્યતા મળી થે, જે હજી સુધી અસરગ્રસ્ત ફંડ માટે કરવેરામાં વૈવિધ્ય લાવશે.

સદાફ સઈદ, સીઈઓ, મુથુટ માઈક્રોફિન

કેન્દ્રીય બજેટ 2024-25 ગ્રામીણ વિકાસ અને વૃદ્ધિ માટે પ્રોત્સાહન પૂરું પાડે છે. વિકાસમાં મદદ કરતી યોજનાઓ દ્વારા મહિલાઓ અને છોકરીઓને સમર્થન આપવા પર આ બજેટમાં સતત ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. કેન્દ્રીય બજેટ 4.9% ની લક્ષિત રાજકોષીય ખાધ સાથે રાજકોષીય શિસ્ત જાળવવાનું લક્ષ્ય રાખે છે, જે પ્રશંસનીય છે. ગ્રામીણ વિકાસ માટે રૂ. 2.66 લાખ કરોડની ફાળવણીથી આર્થિક પ્રવૃત્તિને નોંધપાત્ર રીતે વેગ મળશે, રોજગારીની તકો ઊભી થશે અને ગ્રામીણ જીવનધોરણ અને આવકમાં સુધારો થશે. રોજગારી સર્જન અને કૌશલ્ય વિકાસ પહેલને પ્રોત્સાહન આપવા પર તેનો ભાર વસ્તી વિષયક ડિવિડન્ડને અસરકારક રીતે વહન કરશે, જેનાથી સમગ્ર અર્થતંત્રને ફાયદો થશે.

વિશાલ મહેતા, ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર, Infibeam Avenues Ltd.

બજેટ ડિજિટલ ઈન્ડિયાની પ્રગતિ માટે પ્રશંસનીય છે. બજેટમાં MSMEs માટે વ્યાપક નાણાકીય અને ટેક્નોલોજીનો પ્રોત્સાહન આપતી જાહેરાતો કરવામાં આવી છે. MSMEs અને પરંપરાગત કારીગરોને તેમના ઉત્પાદનોનું આંતરરાષ્ટ્રીય સ્તરે માર્કેટિંગ કરવા સક્ષમ બનાવવા માટે જાહેર-ખાનગી ભાગીદારી (PPP) મોડેલ દ્વારા ઈ-કોમર્સ નિકાસ હબની સ્થાપના શરૂ કરીને એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. ઉદ્યોગસાહસિકો માટે મુદ્રા લોનમાં વધારો અને મોટા MSME ક્લસ્ટરોમાં SIDBI શાખાઓનું વિસ્તરણ આવનારા વર્ષોમાં બિઝનેસ વૃદ્ધિને પ્રોત્સાહન આપશે. છેલ્લે, TReDS પ્લેટફોર્મ પર ખરીદદારોના ઓનબોર્ડિંગ માટે ટર્નઓવર થ્રેશોલ્ડમાં ઘટાડો MSME ને તેમના વેપાર પ્રાપ્તિ દ્વારા કાર્યકારી મૂડી એકત્ર કરવામાં મદદ કરશે, આથી માત્ર વ્યવસાય વૃદ્ધિને પ્રોત્સાહન મળશે નહીં પરંતુ ડિજિટલ બિઝનેસ વૃદ્ધિને પણ વેગ મળશે.

વિશ્વાસ પટેલ, જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટર, ઈન્ફીબીમ એવેન્યુ લિમિટેડ અને ચેરમેન, પેમેન્ટ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (PCI)

અમે આ બજેટનું સ્વાગત કરીએ છીએ. 1લી એપ્રિલ 2025 થી એન્જલ ટેક્સ નાબૂદી, રોકાણકારોના તમામ વર્ગો માટે જાહેર કરાયેલ સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમ માટે એક મોટી રાહત છે. ઈ-કોમર્સ ઓપરેટરો પર ટીડીએસનો દર 1 ટકાથી ઘટાડીને 0.1 ટકા કરવો એ પણ આપણા ઉદ્યોગ માટે ખૂબ મદદરૂપ છે. નવી કર વ્યવસ્થા હેઠળ, પ્રમાણભૂત કપાતમાં રૂ. 50,000 થી રૂ. 75,000 નો વધારો પણ સારો છે તેમજ પગારદાર કર્મચારીઓ રૂ. 17,500 આવકવેરામાં. એકંદરે અમે તેને આવકારીએ છીએ કારણ કે આપણે તેને રાષ્ટ્રના વિકાસ માટે એક સકારાત્મક પગલા તરીકે જોઈએ છીએ.

વિપુલ શાહ, ચેરમેન, જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC)

કેન્દ્રીય બજેટ 2024 એ જેમ્સ અને જ્વેલરી સેક્ટર માટે ગેમ-ચેન્જર છે. સોના અને ચાંદી પરની આયાત ડ્યૂટીમાં 6% અને પ્લેટિનમ પર 6.4% સુધીનો ઘટાડો એ અમારા ઉદ્યોગ માટે એક મોટો પ્રોત્સાહન છે, જે ગ્રાહકો માટે પોષણક્ષમતા અને કાર્યકારી મૂડીને મુક્ત કરીને ઉત્પાદન ક્ષેત્ર માટે સ્પર્ધાત્મકતામાં વધારો કરે છે. SNZs પર રફ હીરાના વેચાણ પર 2% ઇક્વલાઇઝેશન લેવી નાબૂદ અને સેફ હાર્બર નિયમની રજૂઆત ભારતને વૈશ્વિક રફ ડાયમંડ ટ્રેડિંગ હબ તરીકે નિશ્ચિતપણે સ્થાપિત કરશે. નાના પાયાના જ્વેલરી ઉત્પાદકો અને નિકાસકારો અને હીરા કાપનારાઓ અને પોલિશર્સને લાભ આપીને લાખો રોજગારીની તકો ઉભી કરશે, આમ 2047 સુધીમાં ભારતના વિક્સિત ભારત બનવાના વિઝનમાં નોંધપાત્ર યોગદાન આપશે.

 

કમલ સિંગલ, મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ, અરવિંદ સ્માર્ટસ્પેસ લિ.

કેન્દ્રીય બજેટ 2024-25 શહેરી વિકાસ માટે એક દૂરંદેશી અભિગમ રજૂ કરે છે, જે ટકાઉ અને ગતિશીલ શહેરી જગ્યાઓ બનાવવાની અમારી પ્રતિબદ્ધતા સાથે સંરેખિત છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે ₹11 લાખ કરોડની નોંધપાત્ર ફાળવણી અને 100 મોટા શહેરોમાં પાણી પુરવઠા અને કચરાના વ્યવસ્થાપનમાં સુધારાથી કનેક્ટિવિટી અને શહેરી સુવિધાઓમાં વધારો થશે, જે આધુનિક, સંકલિત સમુદાયોના વિકાસના ઉદ્દેશ્ય સાથેના અમારા પ્રોજેક્ટ્સને સીધા સમર્થન આપે છે. અમે FDI નિયમોમાં થયેલા ફેરફારને પણ સમર્થન આપીએ છીએ. આ પગલાંથી રિયલ એસ્ટેટ સેક્ટરમાં એનઆરઆઈની ભાગીદારી વધશે. એકંદરે, બજેટના વ્યૂહાત્મક રોકાણો અને નિયમનકારી સુધારાઓ નવીનતા લાવવા અને શહેરી વિકાસના ભાવિને આકાર આપવાના અમારા પ્રયત્નોને પ્રોત્સાહન આપશે.

અભીક બરુઆ, મુખ્ય અર્થશાસ્ત્રી, એચડીએફસી બેંક

આ બજેટનું મુખ્ય ફૉકસ રોજગારી અને કૌશલ્યવર્ધન જેવા અને તેની સાથે સંકળાયેલા મુદ્દાઓ પર હતું. આ બજેટના અંદાજ પ્રમાણે આ પગલાં દર વર્ષે 80 લાખ નોકરીઓનું સર્જન કરવામાં મદદરૂપ થશે, જે આર્થિક સરવેમાં નિર્ધારિત કરવામાં આવેલી રોજગારીની જરૂરિયાતોને અનુરૂપ છે. પ્રથમ વખત કામ કરનારા કામદારોને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરની સાથે આવકવેરાના સ્લેબમાં ફેરફાર કરવાથી ડિસ્પોઝેબલ ઇન્કમને વધવાને કારણે વપરાશમાં વધારો થવાની સંભાવના છે, ખાસ કરીને સ્મોલ ટિકિટ આઇટમ્સ માટે. સતત ચાલી રહેલો મૂડીગિત ખર્ચ, રોજગારનું સર્જન, ઉત્પાદનને સમર્થન, કૃષિ અને ગ્રામ્યવિકાસ સહિત આ બજેટનું પૉલિસી મિક્સ ભારતના સંભવિત વિકાસ માટે હકારાત્મક રહેવાની સંભાવના છે.

સરકારે તેના કેટલાક સહયોગીઓને કરવામાં આવતી ફાળવણીમાં વધારો કર્યો હોવા છતાં તેના મૂડીગત ખર્ચની યોજનામાં કોઈ બાંધછોડ કરી નથી. રાજકોષીય ખાધને ઘટાડીને જીડીપીના 4.9% કરવાની સાથે ફિસ્કલ કોન્સોલિડેશન પ્રત્યેની કટિબદ્ધતા એ મધ્યમગાળાના ઋણની સ્થિરતા માટે ઘણું હકારાત્મક છે.

ડો.જે.કે. તયાલિયા, ચેરમેન, ECHON 

ભારતીય બજેટ 2024 એક વ્યાપક અભિગમ રજૂ કરે છે.  ઇકોન અને મોટા પીવીસી ઉત્પાદન ઉદ્યોગ માટે આ એક બહોળી તક છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ શહેરી આવાસ માટે રૂ. 10 લાખ કરોડની ફાળવણી, જેમાં રૂ. 2.2 લાખ કરોડની કેન્દ્રીય સહાય અને વ્યાજ સબસિડી સ્કીમ્સનો સમાવેશ થાય છે, તેનાથી રિયલ એસ્ટેટ ઉદ્યોગને સસ્તા છતાં અદ્યતન બિલ્ડિંગ મટિરિયલ્સમાં રોકાણ કરવા માટે પ્રોત્સાહિત કરશે. ઉપરાંત રૂ. 11.11 લાખ કરોડના વધુ મૂડી ખર્ચ પર મૂકાયેલો ભાર ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વેગ આપશે. જેનાથી લોજિસ્ટિક્સમાં સુધારો થશે અને એકંદર ઓપરેશનલ ખર્ચમાં ઘટાડો કરીને આપણા દેશના ઉત્પાદન ક્ષેત્રોને લાભ કરશે. એકંદરે આ બજેટ ઘરેલું ઉત્પાદન, આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર, પરવડે તેવા હાઉસિંગ, સરળ જીએસટી ધોરણો અને પર્યાવરણીય ટકાઉપણાને પ્રોત્સાહન આપે છે. અમે આગળની તક માટે ઉત્સાહિત છીએ.

ગિરીશ અગ્રવાલ, MD, APM ટર્મિનલ્સ પીપાવાવ

APM ટર્મિનલ્સ પીપાવાવ ખાતે, અમે કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણના વ્યૂહાત્મક દ્રષ્ટિકોણની પ્રશંસા કરીએ છીએ. ખાસ કરીને લોજિસ્ટિક્સને સુવ્યવસ્થિત કરવા, સ્થાનિક ઉત્પાદનને વેગ આપવા અને ભારતની વૈશ્વિક સ્પર્ધાત્મકતા માટે નિકાસ પ્રોત્સાહન પર ભાર મૂક્યો છે. શિપિંગમાં આયોજિત સુધારા અને મહત્વપૂર્ણ ખનિજ મિશન નોંધપાત્ર રોજગારની તકો ઊભી કરવા અને આંતરરાષ્ટ્રીય વેપારમાં ભારતની સ્થિતિને મજબૂત કરવા માટે તૈયાર છે. વધુમાં, જાહેર-ખાનગી ભાગીદારી દ્વારા નવીન ઇ-કોમર્સ નિકાસ હબની સ્થાપના, એક છત નીચે વ્યાપક સેવાઓ પ્રદાન કરીને અમારી નિકાસ ઇકોસિસ્ટમમાં ક્રાંતિ લાવશે. અમે ખાસ કરીને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ખર્ચ અને રોકાણ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરીને પ્રોત્સાહિત કરીએ છીએ, જે નિઃશંકપણે તમામ ક્ષેત્રો અને પ્રદેશોમાં આર્થિક પ્રવૃત્તિને ઉત્તેજીત કરશે. આ પહેલો સામૂહિક રીતે ભારત માટે તેના મહત્વાકાંક્ષી $5 ટ્રિલિયન અર્થતંત્રના લક્ષ્ય સુધી પહોંચવાનો માર્ગ મોકળો કરે છે. આ બજેટ નજીકના ભવિષ્યમાં ભારતને વૈશ્વિક આર્થિક પાવરહાઉસ તરીકે સ્થાન આપવા માટે એક પરિવર્તનકારી પગલું પૂરું પાડે છે.

બાબા કલ્યાણી, ચેરમેન અને એમડી, ભારત ફોર્જ લિમિટેડ

આ બજેટમાં મૂળભૂત સ્તંભોને મજબૂત કરવા ઉપર ભાર મૂકાયો છે, જે ભારતીય અર્થવ્યવસ્થાને વિકસિત ભારતની દિશામાં આગળ લઇ જશે. પ્રાકૃતિક ખેતી અને કૃષિ ઉત્પાદકતા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું, રોજગાર સર્જન અને રોજગારને પ્રોત્સાહન આપવું, એમએસએમઇને બળ આપવા માટે સતત પ્રોત્સાહન, શહેરોના આધુનિકીકરણ અને ભારતીય એનર્જી ટ્રાન્ઝિશનને ઝડપી બનાવવાના ઉદ્દેશ્ય સાથે તૈયાર કરાયેલી નીતિઓનો લાંબાગાળાના પ્રભાવ જોવા મળશે, જે અસ્થિર વૈશ્વિક અર્થવ્યવસ્થામાં દેશની આર્થિક સ્થિતિમાં નોંધપાત્ર સુધારો લાવશે.

માળખાકીય સુવિધાઓનું નિર્માણ ભારતની સ્પર્ધાત્મકતા અને રોકાણ માટેના આદર્શ સ્થળ તરીકે સ્થાપિત કરવામાં નોંધપાત્ર યોગદાન આપે છે, જે પ્રધાનમંત્રી મોદીની સરકારની ઓળખ પણ છે. સરકારે માર્ગ, બંદરો, પ્લગ એન્ડ પ્લે ઇન્ડસ્ટ્રીય પાર્ક, સિંચાઇ પ્રોજેક્ટ્સ અને એફોર્ડેબલ હાઉસિંગ ઉપર વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. પ્રવાસનને પ્રોત્સાહન આપવા પર આપવામાં આવેલ વિશેષ ભાર એ આવકારદાયક પગલું છે જે સ્થાનિક અર્થતંત્રો પર મોટી અસર કરશે.

આશિષકુમાર ચૌહાણ, એમડી અને સીઈઓ, નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSC) 

આ બજેટમાં સરકારી ક્ષેત્ર ઉપરાંત ખાનગી ક્ષેત્ર પણ રોજગાર સર્જનમાં સહભાગી બને તે સુનિશ્ચિત કરીને ભારતમાં નોકરીઓ ઊભી કરવા માટે મોટો વેગ આપ્યો છે. એન્જલ ટેક્સમાં રાહત આપીને તેમજ મુદ્રા લોન યોજનાની મર્યાદા રૂ. 10 લાખથી વધારીને રૂ. 20 લાખ પ્રતિ વ્યક્તિ કરીને ભારત નંબર 1 સ્ટાર્ટ અપ રાષ્ટ્ર અને ઉદ્યોગ સાહસિકોનું રાષ્ટ્ર બની ગયું છે. તેમણે ભારતના કામદારોમાંમાં મહિલાઓની ભાગીદારી વધારવા પર પણ ધ્યાન કેન્દ્રિત કર્યું છે જે ભારતને વર્કફોર્સમાં યુવા મહિલાઓની ભાગીદારી વધારીને વસ્તીવિષયક લાભ મેળવવામાં મદદ કરશે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર આઉટલેને અકબંધ રાખીને અને રાજકોષીય ખાધ 5.1 ટકાની અપેક્ષાથી ઘટાડીને 4.9 ટકાએ રાખીને રોજગાર સર્જનના ભાગ રૂપે કૌશલ્ય વિકાસ એ પણ તેમના તરફથી એક અનોખો વિચાર રહ્યો છે. વર્ષ 2025-26માં 4.5 ટકાની રાજકોષીય ખાધ તરફ આગળ વધતા ભારતનું લાંબા ગાળાનું ક્રેડિટ રેટિંગ વધે તે સુનિશ્ચિત કરતા પ્રત્યક્ષ અથવા પરોક્ષ કર માળખા સાથે વધુ પડતી છેડછાડ કર્યા વિના આ બધું હાંસલ કરવામાં આવ્યું છે. એકંદરે, મારી દ્રષ્ટિએ બજેટને 10/10 માર્ક્સ.”

જય બેગાની, ડાયરેક્ટર, જ્વેલ પ્લસ

સોના અને ચાંદી પરની કસ્ટમ ડ્યુટી બજેટમાં 15 ટકાથી ઘટાડીને 6 ટકા કરવીએ આવકારદાયક પગલું છે અને તેમાથી જ્વેલરીની માંગમાં વધારો થશે. આ જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગની લાંબા સમયની માંગ હતી. આ જાહેરાત બાદ સોનાના ભાવમાં તીવ્ર ઘટાડો થયો છે, જેનાથી ગ્રાહકોને નોંધપાત્ર રાહત મળી છે. ડ્યુટીમાં ઘટાડાથી સોનાની દાણચોરીમાં ઘટાડો કરવામાં પણ મદદ મળશે, સરકારની આવકમાં વધારો થશે. વ્યક્તિગત કરદાતાઓ માટે આવકવેરામાં પ્રમાણભૂત કપાતમાં વધારો રૂ 50,000થી રૂ 75,000 અને આવકવેરાના દરોમાં તર્કસંગતકરણથી લોકોના હાથમાં વધુ પૈસા જશે, કિંમતી ધાતુઓની માંગમાં વધારો થશે.