નવી દિલ્હીઃ કર્ણાટક સરકારે નિયમોના વિપરીત મોટરસાઈકલ ટેક્સી ચલાવવા પર ઓલા વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્ય સરકારે કર્ણાટકમાં ઓલા કેબ્સ પર 6 મહિના માટે પ્રતિબંધ લગાવ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, વારંવાર ચેતવણી આપવામાં આવી હોવા છતા, સરકાર દ્વારા આપવામાં આવેલા લાઈસન્સનો ઓલા દ્વારા દુરુપયોગ કરવામાં આવી રહ્યો હતો. સરકારી નીતિ અંતર્ગત કર્ણાટકમાં બાઈક ટેક્સી ચલાવવાની મંજૂરી નથી. એટલા માટે ઓલાનું લાઈસન્સ 6 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યું છે.
જો કે આમ છતા બેંગ્લોરના કેટલાક લોકોએ જણાવ્યું કે અમે લોકો હજી ઓલા એપ પરથી ઓટો રિક્ષા અને ટેક્સી બુક કરી રહ્યા છીએ. મીડિયા રિપોર્ટ્સ અનુસાર સોફ્ટબેંક ગ્રુપ અને ટેનસેન્ટ હોલ્ડિંગ્સ દ્વારા સમર્થિત ઓલાએ જૂન 2016 થી જૂન 2021 સુધી રાજ્યમાં ટેક્સી ચલાવવા માટે લાઈસન્સ લીધું હતું.
કંપનીએ પોતાના એક નિવેદનમાં કહ્યું કે યોગ્ય સમાધાન લાવવા માટે તમામ વિકલ્પો પર વિચાર કરવામાં આવી રહ્યો છે અને સરકારી વિભાગો સાથે મળીને અત્યારે કામ કરવામાં આવી રહ્યું છે. ઓલાએ કહ્યું કે બીજી કંપનીઓ દ્વારા ગેરકાયદેસર રીતે પરિચાલન કરવામાં આવતું હોવા છતા, અમે એક સપ્તાહ બાદ પોતાની બાઈક ટેક્સીના એક્સપીરિમેન્ટ પર રોક લગાવી દીધી હતી. કંપનીએ રાજ્ય સરકાર પાસેથી આના લીગલ ફ્રેમવર્ક તૈયાર કરવાની માગ પણ કરી હતી.