મુંબઈ – ભારતીય રેલવેની પેટાકંપની ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC)એ કબૂલ કર્યું છે કે ‘મૈં ભી ચોકીદાર’ સૂત્ર લખેલા પેપર કપમાં ચા આપવામાં આવી હતી, પરંતુ જાણ થયા બાદ એ કપ તરત જ પાછા ખેંચી લેવામાં આવ્યા હતા.
કાઠગોડમ શતાબ્દી ટ્રેનમાં આજે એક પ્રવાસીને આવા કપમાં ચા આપવામાં આવી હતી અને એણે તરત જ ટ્વિટર પર એ એ કપની તસવીરને શેર કરી હતી અને તરત જ એ વાયરલ થયું હતું.
IRCTCએ ઉમેર્યું છે કે એ કપ તરત જ હટાવી લેવામાં આવ્યા છે અને કોન્ટ્રાક્ટરને એક લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.
હજી બે દિવસ પહેલાં જ ભારતીય રેલવેને એવી ટિકિટો પાછી ખેંચવાની ફરજ પડી હતી જેની પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીની તસવીરો હતી.
IRCTC કંપનીએ એક નિવેદનમાં જાણકારી આપી છે કે ‘મૈં ભી ચોકીદાર’ સૂત્રવાળા કપમાં ચા પીરસવામાં આવી હોવાના અહેવાલો મળ્યા બાદ એ મામલે તપાસ કરવામાં આવી છે. IRCTCની મંજૂરી લીધા વગર એ કપનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
આ પેપર કપ પર આવા સ્લોગન પણ લખવામાં આવ્યા હતા – ‘આતંકવાદ સે રાષ્ટ્ર કી રક્ષા કરેં’ અને ‘સૈનિકોં કે સમ્માન કી રક્ષા કરેં.’
IRCTCએ વધુમાં કહ્યું કે એ પેપર કપ્સને તાત્કાલિક રીતે હટાવી લેવામાં આવ્યા છે. ઈન-ચાર્જ સુપરવાઈઝર્સ/પેન્ટ્રી પાસેથી સ્પષ્ટતા માગવામાં આવી છે. સર્વિસ પ્રોવાઈડરને એક લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ ગેરવર્તણૂક બદલ એને કારણદર્શક નોટિસ મોકલવામાં આવી છે.
આ કપ ઉપર સંકલ્પ ફાઉન્ડેશન નામની એક સ્વૈચ્છિક સંસ્થાની જાહેરખબર પણ હતી.