નવી દિલ્હી- વિશ્વની મોટી અર્થવ્યવસ્થાઓમાં જાણીતા ભારતનું નામ બેડ લોનને કારણે ઘણું ખરાબ થયું છે. બેડ લોન મામલે ભારત ઈટલીને પાછળ રાખીને સૌથી ખરાબ દેશ બની ગયો છે. ડિસેમ્બર મહિનામાં જ રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ કહ્યું હતું કે, 2015થી બેંકોના રેશિયોમાં ઘટાડો નોંધાવાની શરુઆત થઈ ગઈ હતી. બેંકો દ્વારા આપવામાં આવેલી 190 બિલિયન ડોલરની લોનની પરત ભરપાઈ થવાની આશા નહિવત છે. જો ઈટલીની વાત કરવામાં આવે તો, તેણે એક વર્ષમાં 360 બિલિયન યૂરોની NPAને ઘટાડીને 200 બિલિયન ડોલરના સ્તર પર લાવી દીધી હતી. સાથે સાથે ઈટલીએ બેડ લોનના રેશિયોને ઘટાડવામાં પણ ઝડપ બતાવી હતી.
વિશ્વના 10 અર્થતંત્રોમાં ભારત અને ઈટલી બેડ લોન મામલે સૌથી ખરાબ દેશોની યાદીમાં સૌથી ટોચ પર છે. ઈટલીમાં બેડ લોન 9.9 ટકા છે, તેની સામે ભારતમાં 10.3 ટકા બેડ લોન છે. આ યાદીમાં ત્રીજા ક્રમે બ્રાઝિલ 3.2 ટકા સાથે અને ફ્રાંસ 2.9 ટકા સાથે ચોથા ક્રમે સ્થાન ધરાવે છે.
ભારતનો પાડોશી દેશ ચીન 1.9 ટકા સાથે પાંચમાં ક્રમે છે. જ્યારે છઠ્ઠા ક્રમે જર્મની 1.5 ટકા, સાતમાં સ્થાને યુકે 1.2 ટકા, આઠમાં સ્થાને જાપાન 1.1 ટકા, નવમાં સ્થાને અમેરિકા 0.9 ટકા અને 0.4 ટકા સાથે દસમાં સ્થાને કેનેડાનો નંબર આવે છે.
બેડ લોન મામલે છેલ્લા થોડા સમયથી ભારત સરકારે કેટલાક સખ્ત પગલાઓ લીધા છે. પરંતુ હજુ સુધી સકારાત્મક પરીણામ જોવા મળ્યા નથી. ભારત સરકારની લોન આપવાની નીતિઓને બેડ લોન માટે જવાબદાર માનવામાં આવે છે.