નવી દિલ્હી – વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર આવતી 1 ફેબ્રુઆરીએ તેનું આખરી કેન્દ્રીય બજેટ સંસદમાં રજૂ કરશે. આ બજેટ વચગાળાનું હશે, કારણ કે એપ્રિલ-મે મહિનામાં લોકસભાની ચૂંટણી નિર્ધારિત છે. ચૂંટણીના પરિણામ બાદ નવી સરકારની રચના થશે.
મોદી સરકાર તેના આગામી વચગાળાના બજેટમાં વ્યક્તિગત આવકવેરામાં મુક્તિ મર્યાદા વધારીને બમણી, વાર્ષિક રૂ. પાંચ લાખ કરે એવી શક્યતા છે. હાલ આ મુક્તિ મર્યાદા અઢી લાખ રૂપિયાની છે.
2019ની લોકસભા ચૂંટણી પૂર્વે માત્ર અમુક જ મહિના બાકી રહી ગયા છે ત્યારે ભાજપની સરકાર મધ્યમ વર્ગના મતદારોને રીઝવવા માટે આવકવેરા મુક્તિ મર્યાદા વધારે એવી ધારણા છે.
કેન્દ્રીય નાણાં પ્રધાન 1 ફેબ્રુઆરીએ મોદી સરકારનું વચગાળાનું બજેટ રજૂ કરે ત્યારે અથવા વોટ-ઓન-એકાઉન્ટમાં આવકવેરા મુક્તિ મર્યાદા વધારવાની જાહેરાત કરે એવી ધારણા છે.
પ્રથા એવી છે કે લોકસભાની ચૂંટણી નજીકમાં હોય ત્યારે કેન્દ્ર સરકાર વોટ-ઓન-એકાઉન્ટ રજૂ કરે છે અને પૂર્ણસ્તરનું બજેટ નવી સરકાર સત્તાના સૂત્રો સંભાળી લે ત્યારપછી પેશ કરતી હોય છે.
આવકવેરો નાબુદ કરવા અથવા કંઈ નહીં તો એની મર્યાદા સ્લેબ્સમાં નોંધપાત્ર રીતે વધારો કરવો જોઈએ એવું ભાજપના અનેક વિચારકો તથા સલાહકારો પક્ષની નેતાગીરીને જણાવતા રહ્યા છે.
આવકવેરા મુક્તિ મર્યાદા વધારવાનું પગલું મધ્યમ વર્ગના મતદારોને ફરી રાજી કરવા માટેનો શાસક ભાજપ-એનડીએનો પ્રયાસ હોવાનું મનાય છે, કારણ કે આવા ઘણા મતદારો તાજેતરની વિધાનસભાની ચૂંટણીઓમાં ભાજપના નબળા દેખાવથી નારાજ થયા છે.
હાલ વાર્ષિક અઢી લાખ રૂપિયા સુધીની વ્યક્તિગત આવક પર કોઈ ટેક્સ વસુલ કરાતો નથી.
અઢી લાખ અને રૂ. પાંચ લાખની વચ્ચેની રકમની આવક ધરાવતા લોકો પર પાંચ ટકા ટેક્સ વસુલ કરાય છે, રૂ. પાંચ લાખ અને રૂ. 10 લાખની વચ્ચેની આવક પર 20 ટકા ટેક્સ વસુલ કરાય છે. રૂ. 10 લાખથી વધુની આવક પર 30 ટકા ટેક્સ લેવાય છે. 80 વર્ષથી વધુની વયના લોકોએ માત્ર વાર્ષિક પાંચ લાખથી વધુની આવક ઉપર જ ટેક્સ ચૂકવવો પડે છે.
એવી પણ અટકળો છે કે નાણાં પ્રધાન અરૂણ જેટલી ટોચના ઈન્કમ ટેક્સ રેટમાં પાંચ ટકાનો કાપ મૂકશે. એટલે કે 30 ટકાથી ઘટાડીને 25 ટકા કરશે.